અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ શરૂ નહીં થાય ત્યાં સુધી જંપીશ નહીંઃ સાંસદ ડો. કિરીટ સોલંકી

Wednesday 12th August 2015 10:20 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભાના અમદાવાદના ભાજપના સભ્ય ડો. કિરીટ સોલંકીએ જોરદાર રીતે સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટ શરૂ થશે નહીં ત્યાં સુધી હું જંપીશ નહીં. જરૂર પડશે તો કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ રજૂઆત કરીશ. હું જાણું છું કે લંડનથી અમદાવાદ આવતાં ગુજરાતના મુસાફરોને દિલ્હી, મુંબઈ કે વિદેશમાં અન્ય સ્થળોએ વિમાન બદલવાનું હોય છે ત્યારે કેટલી મુશ્કેલી પડે છે. બબ્બે-ત્રણ-ત્રણ દિવસ સુધી લગેજ પણ અમદાવાદ આવતો નથી.
લોકસભામાં તા. ૫ ઓગષ્ટને બુધવારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર અગત્યના મુદ્દાઓની રજૂઆત કરવાના સમયમાં અમદાવાદના ભાજપના લોકસભાના સભ્ય ડો. કિરીટ સોલંકીએ લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ ચાલુ કરવાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે લંડન અમદાવાદની સીધી એર ઈન્ડિયાની ફ્લાઈટ બંધ થવાથી ગુજરાતના મુસાફરોને ખુબ મુશ્કેલી પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક માત્ર રાત્રે જ કામ કરે છે દિવસે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ આવતી નથી કે ઉપડતી નથી. રાત્રે છ વાગ્યાથી સવારના સુધી આ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકેથી જુદા જુદા વિમાનો ઊપડે છે. પરંતુ દિવસે કોઈ વિમાન ઉપડતું નથી. આથી આ વિમાનીમથકેથી વધુને વધુ સીધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવામાં આવે. તેમાં અગાઉ ચાલતી લંડન-અમદાવાદની વિમાની સેવા શરૂ કરવામાં આવે તો ગુજરાતના મુસાફરો સહેલાઈથી અમદાવાદથી લંડન કે અમેરિકા અથવા યુરોપના દેશોમાં જઈ શકે.
સંસદમાં બે સપ્તાહથી ધાંધલ-ધમાલ થતી હતી આથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મુલત્વી રાખવી પડતી હતી. પરંતુ કોંગ્રેસના ૨૫ સભ્યોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ લોકસભામાં તા. ૩ ઓગષ્ટથી પ્રશ્નોત્તરી અને ઝીરો અવર અને અન્ય તાકીદની બાબત રજૂઆત કરવાની કાર્યવાહી ચાલી હતી. તેવી રીતે તા. ૫ ઓગષ્ટને બુધવારના રોજ જાહેર મહત્ત્વના પ્રશ્નોની રજૂઆત કરતાં ડો. કિરીટ સોલંકીએ લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ ચાલુ કરવાની અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દિવસે ઉપયોગ કરવાની રજૂઆત કરી હતી.
અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટેની એક સમિતિ બનાવવામાં આવી છે તેના ગુજરાત ખાતેના કો-ઓર્ડિનેટર પત્રકાર ભુપત પારેખે ડો. કિરીટ સોલંકી સાથે આ ડાયરેક્ટ ફ્લાઈટ અંગેની વાતચીત કરતાં ડો. કિરીટ સોલંકીએ ભાર દઈને કહ્યું હતું કે હું જાણું છું કે લંડનથી આવતાં ગુજરાતના મુસાફરોને સીધી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ નહીં હોવાને કારણે કેટલી મુશ્કેલીઓ પડે છે. આથી જ્યાં સુધી આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ થશે નહીં ત્યાં સુધી હું જંપીશ નહીં. જરૂર પડશે તો કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂઆત કરીશ.
ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ મને અમદાવાદમાં લંડનથી આવેલા ગુજરાત સમાચારના એડિટર સી. બી. પટેલ મળ્યા હતા. તેમની સાથે મારે આ બાબતની વાતચીત થઈ હતી. ત્યારથી મને સમજાયું હતું કે આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ નહીં હોવાને કારણે અમદાવાદથી લંડન જતા અને આવતાં મુસાફરોને કેટલી મુશ્કેલી પડે છે.
ભુપત પારેખે તેમને જણાવ્યું હતું કે ગયા વર્ષે ૨૦૧૪માં આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી હતી. તેમાં રાજ્યસભાના ભાજપના વ્હિપ સંસદસભ્ય મનસુખભાઈ માંડવિયા સહિત કેટલાક સંસદસભ્યો સહિત આ સમિતિ તરફથી તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ દ્વારા કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી ડો. અશોક ગજપતિ રાજુ સમક્ષ અનેકવાર લેખિત રૂબરૂમાં રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રીશ્રી અમદાવાદમાં આવ્યા હતા ત્યારે તેમની સમક્ષ રૂબરૂમાં પણ આવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓ હંમેશા એક જ જવાબ આપતા હતા કે, ટ્રાફિક એટલે કે મુસાફરો મળતાં નહીં હોવાના કારણે આવી ફ્લાઈટ ચાલુ કરવામાં આવી નથી.
આ વિશે ચર્ચા કરતાં ડો. કિરીટી સોલંકીએ જણાવ્યું હતું કે હું મંત્રીશ્રીને રૂબરૂ મળીને જણાવીશ કે સીધી ફ્લાઈટ માટે જેટલાં મુસાફરો જોઈતાં હશે તેટલાં મુસાફરો મળી શકશે. શરૂઆતમાં અઠવાડિયામાં એક દિવસ ફ્લાઈટ ચાલુ કર્યા બાદ મુસાફરો વધુને વધુ મળતાં વધુ ફ્લાઈટ ચાલુ કરવાની હું રજૂઆત કરીશ. તેમણે એ સ્પષ્ટ કહ્યું હતું કે ટ્રાફિકની જે વાત કહેવામાં આવે છે તે વાત સાચી નથી.
ડો. કિરીટ સોલંકી સમક્ષ ભુપત પારેખે વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકનું જુલાઈ-૨૦૦૯માં તે વખતના યુપીએ સરકારના નાગરિક ઊડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તે સમયે વિમાનીમથકે યોજાયેલા સમારંભમાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અન્ય સંસદસભ્યો સાથે રજૂઆત કરી હતી કે અગાઉ ચાલતી હતી તે અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે તો તે ચાલુ કરવી જોઈએ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત તે વખતના કેન્દ્રના મંત્રી દિનશા પટેલ અમદાવાદના સંસદસભ્ય શ્રી હરિન પાઠક વગેરેએ આવી રજૂઆત કર્યા બાદ મંત્રીએ જાહેર સમારંભમાં એ સ્પષ્ટ જાહેરાત કરી હતી કે આવતાં શિયાળુ સમયપત્રકમાં આવી સીધી ફ્લાઈટ જે અગાઉ ચાલતી હતી અને બંધ કરવામાં આવી છે તે ફરીને ચાલુ થશે. પરંતુ અત્યાર સુધી આવી ફ્લાઈટ ચાલુ થઈ નથી.
આ ઉપરાંત ભુપત પારેખે ડો. સોલંકીને જણાવ્યું હતું કે ગુજરાતમાંથી નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલ સહિત અન્ય કેટલાક મંત્રીઓએ પણ કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ દ્વારા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરવામાં આવે તેવી તેમની સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી તરફથી એવી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી કે તેમણે વડા પ્રધાન સમક્ષ આવી ડાયરેક્ટ ફ્લાઈટ ફરીને ચાલુ કરવા માટે લેખિત રજૂઆત કરી છે.


comments powered by Disqus