ં• વડોદરામાં રૂ.૧૫૦ કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ માટે કરારઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૫ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રે થયેલા સમજૂતી કરાર અંતર્ગત બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બરોડામાં અતિઆધુનિક સુવિધાઓ સાથેનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. રાજ્યના નાણા પ્રધાન સૌરભભાઈ પટેલ અને યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા રમતગમત વિભાગના પ્રધાન નાનુભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયા હતા.
• બે દિવસમાં ૩૫ ચાર્ટર વિમાનોનું આવાગમનઃ સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના બે દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ વીવીઆઇપીઓની અવરજવરથી ઊભરાયું હતું. બે દિવસમાં કુલ ૩૫ જેટલા ચાર્ટર વિમાનોની અવરજવરથી એરપોર્ટ વ્યસ્ત રહ્યું હતું. ખાસ કરીને સોમવારે સવારે યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન સવારે ૧૦:૩૦ વાગે એર ઇન્ડિયાની ફલાઇટમાં બિઝનેસ ક્લાસમાં રવાના થયા હતા.

• હિંમતનગરનો યુવાન ઇઝરાયલની યુનિ. વિદ્યાર્થી સંઘમાં ચૂંટાયોઃ મદ્રેસામાં અભ્યાસ કરનાર અને પ્રતિષ્ઠિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વિદ્યાર્થી એવા સાબરકાંઠાના હિંમતનગરના વતની યુવાન ઇઝરાયલની પ્રતિષ્ઠિત હિબ્રુ યુનિવર્સિટીમાં ૮૦ દેશોના ૨૦૦૦ કરતા વધુ વિદેશી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવા ચૂંટાયા છે. એએમયુના ડોક્ટર ફેલો અને હિબ્રુ યુનિ.ની રોથબર્ગ ઇન્ટરનેશનલ સ્કૂલના વિઝિટિંગ રિસર્ચ ફેલો એવા ૨૭ વર્ષીય ઝુલ્ફીકાર શેઠ તાજેતરમાં યાજાયેલી ચૂંટણીમાં ચૂંટાયા હતા. ઝુલ્ફીકારને અહીં આવ્યાને માત્ર અઢી મહિના થયા છે, પણ આ સમયગાળામાં એએમયુના ડોક્ટરલ વિદ્યાર્થી યુનિવર્સિટીના ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. તેમણે કહ્યું હતું કે, ‘મારી કોઈ યોજના નહોતી, પણ જ્યારે મેં જાણ્યું કે હજુ સુધી કોઈ ભારતીય આ હોદ્દા પર ચૂંટાયો નથી ત્યારે મેં વિચાર્યું હતું કે ભારતીય પ્રતિનિધિત્વ માટે આ જ યોગ્ય સમય છે.’
• ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રમુખ પદે કિરણ વડોદરિયાઃ ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીની ૭૫મી સામાન્ય સભામાં ‘સમભાવ મેટ્રો’ અખબારના કિરણ ભૂપતભાઇ વડોદરિયાની વર્ષ ૨૦૧૪-૧૫ના પ્રમુખ તરીકે પસંદગી થઇ છે. ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીની કાર્યવાહક સમિતિમાં ૪૧ સભ્યો છે તે સર્વસભ્યોએ વડોદરિયામાં વિશ્વાસ મૂકીને તેમને આ સ્થાન માટે પસંદ કર્યા છે.
• સંતરામ મંદિરે સમાધિ મહોત્સવનો પ્રારંભઃ નડિયાદના સંતરામ મંદિરે ગત સપ્તાહથી ૧૮૪મા સમાધિ મહોત્સવની ઊજવણીનો પ્રારંભ થયો છે. આ નિમિત્તે ૨૧૧ વર્ષ પૂર્વે પીપલગ ગામથી નડિયાદમાં સંતરામ દેરીએ પધારેલા શ્રી સંતરામ મહારાજના મંગલ પ્રવેશની યાદગીરી સ્વરૂપે ૯ જાન્યુઆરીએ પીપલગથી નડિયાદની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ વર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે બાવન ગજની ધ્વજારોહણ થઇ હતી. પીપલગ ગામે જય મહારાજના ભક્તો એકત્રિત થયા હતા. આ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી, જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
• ઊંઝા તાલુકાના પીઢ સહકારી અગ્રણીનું અવસાનઃ ઊંઝા નજીકના ઉનાવા ગામના પૂર્વ સરપંચ અને ઉનાવા બજાર સમિતિના ચેરમેન એવા પીઠ સહકારી અગ્રણી બબલદાસ કાનજીદાસ પટેલનું અવસાન થયું છે. બજારના વેપારીઓ, તાલુકા-જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો, સમાજના લોકો, સ્થાનિક ગ્રામજનોએ સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અવસાનથી સમગ્ર તાલુકા સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે.
