લંડનઃ બ્રિટનની ભારતીય કોમ્યુનિટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે ત્યારે વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કરવાના મુદ્દે કેટલાક મુસ્લિમો દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે. વડા પ્રધાન મોદી નવેમ્બર ૨૦૧૫માં યુકેના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૯૦,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા વેમ્બલી સ્ટેડિયમમાં જનમેદનીને સંબોધન કરશે તેમ મનાય છે. તેઓ દિવાળીની ઉજવણી પછી તરત વેમ્બલીના મંદિરમાં હિન્દુઓને પણ સંબોધન કરે તેવી અટકળ ચાલે છે. લગભગ એક દાયકા પછી બ્રિટનની મુલાકાતે આવનારા તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન હશે.
ગત સપ્ટેમ્બરમાં મોદીની યુએસ મુલાકાત સમયે ન્યૂ યોર્કના વિશાળ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ૨૦,૦૦૦ બિનનિવાસી ભારતીયો સમક્ષ તેમનું પ્રવચન યાદગાર બની રહ્યું હતું. ડાઉનિંગ સ્ટ્રીટ સરકાર અને ડાયસ્પોરા વચ્ચે વેપારી સંબંધો વધારવા ન્યૂ યોર્કના કાર્યક્રમને પણ ઝાંખો પાડે તેવી વ્યવસ્થા કરવા ધારે છે.
જોકે, મુસ્લિમ જૂથોના કેટલાક સભ્યો નરેન્દ્ર મોદીની ભવ્ય આગતાસ્વાગતા કરવા મુદ્દે નારાજ છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના ૧૩ જુલાઈના અહેવાલ અનુસાર યુકેમાં ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશનના પ્રમુખ શમ્સુદ્દીન આગાએ કહ્યું છે કે,‘અમે જાણીએ છીએ કે ડેવિડ કેમરનને આ દેશમાં વેપાર પર ધ્યાન આપવાનું છે, પરંતુ મોદી સાથે વહેવારમાં તેમણે વિશેષ કાળજી રાખવી જોઈશે.’ આ જૂથ દ્વારા મોદીના પ્રવાસ સામે વિરોધ પ્રદર્શન કરાય તેવી શક્યતા છે અને અન્ય કેટલાક સંગઠનો પણ તેમાં જોડાઈ શકે છે. ૨૦૦૨ની ગોધરા ઘટના પછી ટીકાખોરોએ મોદી પોતાના રાજ્ય ગુજરાતમાં અનેક મુસ્લિમોના મોતમાં ભાગીદાર હોવાના આક્ષેપો કર્યા છે.
નરેન્દ્ર મોદીએ છેલ્લે ઓગસ્ટ ૨૦૦૩માં યુકેની મુલાકાત લીધી હતી. તેમણે ૨૦ ઓગસ્ટે ઓલ્ડ સ્ટ્રીટ ખાતે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ઓફિસોમાં આવેલા શક્તિ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું.આ પછી ભારતીય તપાસકારોએ તેમની કોઈ જવાબદારી ન હોવાની ૨૦૧૨માં ક્લીન ચિટ આપી તે પહેલા યુકે અને યુએસમાં તેમને વિઝાનો ઈનકાર કરાયાની પણ અટકળો ચાલતી હતી. કેટલાક મુસ્લિમો સ્પષ્ટ નારાજગી દર્શાવે છે ત્યારે તમામ મુસ્લિમો આ સંભવિત મુલાકાતના વિરોધી નથી. તમામ પક્ષોના સાંસદો અને ઉમરાવોએ નવેમ્બરમાં ભારતીય વડા પ્રધાનને આવકારવામાં રસ દાખવ્યો છે. આ સંદર્ભે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા કેટલાક મહાનુભાવોના વિચાર જાણવામાં આવ્યા હતા.
કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મુસ્લિમ્સ (યુકે)ના પૂર્વ અધ્યક્ષ મુનાફ ઝીણા કહે છે કે ‘૨૦૦૨ પછી સમય બદલાઈ ગયો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન નહિ, ભારતના વડા પ્રધાન છે. હું તેમને યુકેમાં આવકારવા તૈયાર છું.’ ઈન્ડિયન મુસ્લિમ્સ એસોસિયેશન,લેસ્ટરના અધ્યક્ષ અને ઈસ્લામિક એજ્યુકેશન ટ્રસ્ટ લેસ્ટરના સભ્ય અબ્દુલકરીમ ઘીવાલાએ મિ. આગાના નિવેદન સંબંધે કહ્યું હતું કે, ‘અમારું વલણ ચોક્કસ બદલાયું છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ઓવરસીઝ બીજેપી પાર્ટી દ્વારા લેસ્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મેં હાજરી આપવા સાથે સંબોધન પણ કર્યું હતું. બન્ને દેશોના હિતમાં આપણે મોદીને અહીં આવકારવા જોઈએ.’ લેબર સાંસદ અને હોમ એફેર્સ કમિટીના અધ્યક્ષ કિથ વાઝે કહ્યું હતું કે,‘નવેમ્બરમાં પ્રાઈમ મિનિસ્ટર મોદીની મુલાકાત યુકે અને ઈન્ડિયા વચ્ચેના સંબંધોમાં મહત્ત્વપૂર્ણ પળ બની રહેશે. બન્ને સરકારોએ વેપાર, યુકેસ્થિત ભારતીય ડાયસ્પોરા અને દ્વિપક્ષી સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ધ્યાન કેનમ્દ્રિત કરવાનું છે. આ તમામ હેતુસર ભારત સરકાર સાથે સારા સંબંધો આવશ્યક છે.’
ટોરી સાંસદ અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ આલોક શર્માએ કહ્યું હતું કે,‘મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની બહુમતી સરકારના પ્રાઈમ મિનિસ્ટર છે. ડેવિડ કેમરન યુકે અને ભારત વચ્ચેના સંબંધોને ભારે મહત્ત્વ આપે છે. આથી, મોદીની મુલાકાત સંબંધે બ્રિટિશ સરકાર મૌન ધારણ કરે તે વિચિત્ર જ ગણાશે.’
ટોરી લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે,‘૨૦૧૦થી કન્ઝર્વેટિવ્ઝ દ્વારા ભારત સાથે મજબૂત સંબંધોના નિર્માણ પર ભાર રખાયો છે. યુકે- ભારતના સંબંધો મજબૂત બનાવવામાં ઐતિહાસિક મુલાકાત માટે વિશ્વની સૌથી મોટી લોકશાહી- ભારતના ચૂંટાયેલા નેતા તરીકે આપણે મોદીને ઉષ્માપૂર્વક આવકારીએ તે સર્વથા યોગ્ય છે. મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાત સાતે રાજદ્વારા સંબંધોની પુનઃ સ્થાપનાની મદદમાં ભૂમિકા ભજવ્યાનું મને ગૌરવ છે. બ્રિટનમાં રહેતા હજારો ગુજરાતીઓની માફક મોદીને અહીં આવકારવા હું ઉત્સુક છું.’ ડેવિડ કેમરન પણ આ વિરોધને હળવો બનાવવા ઉત્સુક છે. તેમણે ભારત સાથે વેપાર વધારવામાં રસ છે. જોકે સરકારની ઇમિગ્રેશન નીતિ અંગે ભારતીય ઉદ્યોગો સાશંક છે.