મુંબઈ, વડોદરાઃ શહેરના વતની અને એમએસ યુનિવર્સિટીમાંથી આર્ટ-કલ્ચરની ડિગ્રી મેળવનાર જાણીતા સેલિબ્રિટી આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય અને તેમના વકીલ હરિશ ભંભાણીની મુંબઇમાં રહસ્યમય હત્યાથી કલાજગતમાં ખળભળાટ મચી ગયો છે.
ગયા શનિવારે રાત્રે કાંદીવલી વેસ્ટના દહાણુકર વાડી પાસેનાં ગટરના નાળામાંથી બોક્સમાં પેક કરેલા બે મૃતદેહ મળ્યા હતા. આ મૃતદેહ ૪૫ વર્ષના હેમા અને તેમના ૬૫ વર્ષના વકીલ હરિશ ભંભાણીના હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીને અટકાયતમાં લીધા છે તેમ જ હેમા ઉપાધ્યાયના કલાકાર પતિ ચિંતન ઉપાધ્યાયની પૂછપરછ કરી છે. નોંધનીય છે કે હેમાબેન અને ચિંતનભાઇ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનમેળ નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે સફાઈ કર્મચારીએ સાંજના સમયે આ નાળામાં બોક્સ પડેલાં જોયાં હતાં. તેણે કુતૂહલવશ બોક્સ ખોલતાં અંદરથી લાશ નીકળી હતી, જે જોઈને પોલીસને જાણ કરાઇ હતી.
પોલીસ સૂત્રોના મતે શનિવારે હેમાના ફોન પરથી થયેલા છેલ્લા કેટલાક કોલના આધારે પોલીસે ત્રણ જણાની પૂછપરછ કરી છે. આ ઉપરાંત પોલીસે હેમાના પતિ ચિંતન ઉપાધ્યાયની પણ શંકાના આધારે પૂછપરછ ચાલુ કરી હતી. પોલીસે જણાવ્યું કે, બંને લાશ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
હેમા ઉપાધ્યાય ગુજરાતી કલાજગતની જાણીતી હસ્તી હતા. તેમને ગુજરાત લલિતકલા અકાદમી અને રાષ્ટ્રીય લલિતકલા અકાદમી પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. તેમને માનવ સંસાધન મંત્રાલયની રાષ્ટ્રીય સ્કોલરશિપ પણ એનાયત થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે લાશ કોહવાયેલી ન હોવાથી હત્યા એક-બે દિવસ પહેલાં જ કરવામાં આવી હોવાની શક્યતા છે. શુક્રવારથી લાપતા હેમા અને હરિશ ભંભાણી બંનેના હાથ પાછળથી બાંધી દેવાયા હતા. હરિશ ભંભાણીની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી. તેમ જ તેમની કાર, મોબાઈલ ફોન અને પર્સ મિસિંગ છે.
આથી પોલીસને શંકા છે કે હેમા અને હરિશનું પહેલાં અપહરણ કરાયું હશે અને ત્યારબાદ તેમની હત્યા કરી હશે. તેમનાં શરીર પર ઘાનાં નિશાન જોવા મળતા નથી. એ જોતાં તકિયા વડે તેમને ગૂંગળાવીને મારી નખાયાની થિયરી પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
એક અહેવાલ અનુસાર, બોક્સમાં પેક બે લાશ મળ્યાના અહેવાલો અખબારોમાં છપાયા બાદ એક ટ્રક ચાલકે પોલીસનો સંપર્ક કરીને માહિતી આપી હતી કે બે શખસોના કહેવાથી તેણે આ બોક્સ ગટરના નાળામાં ફેંક્યા હતા.
ટ્રક ચાલકે આપેલી માહિતીની આધારે પોલીસે સાધુ રાજભર અને શિવ કુમાર નામના બે શખસોની ધરપકડ કરી છે. રાજભર અને શિવ કુમારના કબ્જામાંથી હેમા અને ભંભાણીના એટીએમ કાર્ડ, આઇડી કાર્ડ સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે. આ બન્ને શખસો એક્રેલિક સીટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હેમા ઉપાધ્યાય કલાકૃતિ માટે આ શખસો પાસેથી એક્રેલિક સીટ ખરીદતા હતા અને આ સામગ્રી પેટે તેમણે રૂ. પાંચ લાખ ચૂકવવાના બાકી હતા. જોકે હત્યાનું સાચુ કારણ તો તપાસ બાદ ખૂલશે.

