જૂનાગઢઃ ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પાકિસ્તાન જઇ વસેલા જૂનાગઢનાં નવાબ મહાબતખાનજી ત્રીજાનાં વંશજો પાકિસ્તાનનાં શહેર કરાચીમાં જ વસવાટ કરે છે. પાકિસ્તાન માટે પોતાનું રાજપાટ મૂકીને જતા રહેલા જૂનાગઢના નવાબ પરિવારની હાલ ત્યાં ઘોર અવગણના થઈ રહી છે. જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન માટે આપેલો ત્યાગ પાકિસ્તાન ભૂલે નહીં એવો આક્રોશ હાલના નવાબ મહંમદ જહાંગીર ખાને વ્યક્ત કર્યો છે.
તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, જો નવાબ મહાબતખાનજી ત્રીજાને એવો ખ્યાલ હોત કે પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ તેમના માટે દુઃખ નોતરી લાવશે તો તેઓ ક્યારેય ભારત છોડીને અહીં ન આવ્યા હોત.
પાકિસ્તાનથી પ્રકાશિત થતા એક અખબારને ઇસ્લામાબાદ ખાતે આપેલા ઇન્ટરવ્યૂમાં નવાબ મહંમદ જહાંગીર ખાને પાકિસ્તાન સરકાર સામે એવો રોષ વ્યક્ત કર્યો હતો કે, દેશે (પાકિસ્તાને) જૂનાગઢના ત્યાગની નોંધ લેવી જોઈએ કારણ કે જૂનાગઢના પાકિસ્તાન સાથે જોડાણના કરાર નવાબ મહાબતખાનજી ત્રીજા અને કાયદે આઝમ મહંમદ અલી ઝીણા વચ્ચે થયા હતા અને તેઓ એ વખતે પાકિસ્તાન સરકારના વડા હતા.
જૂનાગઢ એ વખતે હૈદરાબાદ પછી બીજા નંબરનું સૌથી વધુ ધનવાન રાજ્ય હતું અને નવાબ માત્ર ને માત્ર પાકિસ્તાન માટે જ પોતાની બધી જ સ્થાવર અને જંગમ મિલકતનો જૂનાગઢમાં જ છોડીને કરાચી વસી ગયા હતા. તેઓએ પોતાની જૂનાગઢમાંથી મિલકતો માટે ક્યારેય ક્લેમ પણ નહોતો કર્યો, કારણ કે તેઓ પોતાને નિરાશ્રિત માનતા જ નહોતા. બીજી તરફ, પાકિસ્તાનમાંના અન્ય રાજ પરિવાર પાસે જમીન-મિલકત હતી. હાલ પાકિસ્તાન સરકાર પાકિસ્તાનના અન્ય રાજવી પરિવારોની માફક જૂનાગઢના નવાબને માનમરતબો આપતી ન હોવાથી તેઓ વ્યથિત છે.

