બાંધણી અને રોગાનકલાના કસબીને પુરસ્કાર

Thursday 17th December 2015 05:12 EST
 

ભુજઃ કચ્છી હસ્તકલાના ઓવારણા આજે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે ત્યારે આ કલાનું વધુ બે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન થયું છે. આ સન્માન કચ્છી બાંધણી અને રોગાનકલા માટે એનાયત થયા છે.
નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કચ્છી બાંધણી માટે કસબી ખત્રી અલીમામદ ઓસમાણને આ સન્માન આપ્યું હતું. કવિ પરિવાર તરીકે જાણીતા આ કુટુંબમાં આ બીજો એવોર્ડ છે. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા અપાતા એવોર્ડમાં તામ્રપત્ર, સર્ટિફિકેટ અને એક લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪ માટે આ એવોર્ડ મેળવનાર અલીમામદભાઈને આ અગાઉ ૨૦૦૬માં મેરિટ સર્ટિફિકેટ અને રૂ. ૫૦,૦૦૦ તે સમયના રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
જ્યારે નિરોણા (નખત્રાણા)ના કસબી જુમાભાઇ દાઉદ ખત્રીને રંગીન રોગાનકલા માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે. પાવરપટ્ટીના મુખ્ય મથકસમા આ ગામના એકમાત્ર પરિવારમાં જળવાઇ રહેલી અને અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી પહોંચેલી રંગીન રોગાનકલાના કસબી જુમાભાઈ દાઉદ ખત્રીને વર્ષ ૨૦૧૨ માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે અર્પણ કરાયેલા આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શિલ્ડ, અંગવસ્ત્ર અને રૂપિયા એક લાખ રોકડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, લુપ્ત થવાના આરે પહોંચી ગયેલી આ કલાએ છેલ્લા ૨૦ વર્ષમાં ભારે હરણફાળ ભરી છે.


comments powered by Disqus