અમદાવાદઃ એર ઇન્ડિયા તેની સેવાઓનો સતત વિસ્તાર કરી રહ્યું છે. જેમાં અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કર્યા બાદ આગામી છ મહિનામાં વાયા દિલ્હી થઈ સિડની, સ્પેન અને વોશિંગ્ટન માટે પણ ફ્લાઈટ શરૂ કરવાનું આયોજન છે. જ્યારે ૨૫ ડિસેમ્બરથી મુંબઈથી ડેઇલી સુરત માટે નવી સર્વિસ શરૂ થઈ રહી છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં મુંબઈથી વડોદરા માટે સેવા શરૂ કરાશે. હાલ મુંબઈથી જામનગર અને ભુજ માટે ડેઇલી એક સર્વિસ ચાલુ છે, તેની ફ્રિકવન્સી વધારીને બે કરવાનું આયોજન છે. આ જ રીતે રાજકોટથી દિલ્હી માટે હાલ ૭૦ સીટ વાળું વિમાન ઊડે છે તે ફૂલ રહેતું હોવાથી હવે તેની જગ્યાએ ૧૮૦ સીટવાળું વિમાન મૂકવામાં આવશે.
આ જ પ્રમાણે મુંબઈથી દીવ માટે સપ્તાહમાં ૪ દિવસ ઉપડતી ફ્લાઈટ જાન્યુઆરીના અંત સુધીમાં સપ્તાહમાં ૬ દિવસ કરવાની સાથે ફ્લાઈટને દીવથી અમદાવાદ સાથે પણ કનેક્ટ કરવામાં આવશે.
