લેસ્ટર શહેરના પ્રથમ એશિયન મહિલા કાઉન્સિલર અને લેબર પાર્ટીના સાંસદ કિથ વાઝના માતા મેરલિન વાઝની યાદમાં દર વર્ષે ક્રિસમસ ટ્રી પર રોશની કરાય છે. મેથોડિસ્ટ ચર્ચ ખાતે ગુરુવાર, ત્રીજી ડિસેમ્બરની સાંજે લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના મેનેજર ક્લૌડિયો રેનિરીએ રોશની માટે સ્વીચ ઓન કરી હતી. તસવીરમાં તેમની સાથે અંજલિ વાઝ અને કિથ વાઝ જણાય છે. કિથ વાઝે લેસ્ટરવાસીઓને ક્રિસમસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ‘આ ક્રિસમસ રોશની વાર્ષિક કાર્યક્રમ બની છે. મારા માટે તે લાગણીનો પ્રસંગ છે. ક્લૌડિયો રેનિરી રોશની માટે સ્વીચ ઓન કરવા સંમત થયા તેનો મને આનંદ છે.’ લેસ્ટરના કેટલાક સીનિયર સિટિઝન્સને ભેટ અપાઈ હતી. ગત વર્ષોમાં સિવિલ રાઈટ્સ અગ્રણી જેસી જેક્સન, બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્ર, ઈસ્ટેન્ડર્સના અભિનેત્રી નીના વાડિયા, સ્થાનિક બોક્સિંગ ચેમ્પિયન રેન્ડાલ મનરો તેમજ ભાસ્કર પટેલ સહિતના અતિથિવિશેષો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.

