લીવરપુરઃ જીવનસાથી માટે કંઈ પણ કરી છૂટવાનું હંમેશા સારું જ લાગતું હોય છે, પરંતુ જ્યારે તે બીમાર હોય અને વાત તેની જિંદગી સાથે જોડાયેલી હોય ત્યારે તો આ અનુભવ વધુ યાદગાર બની જતો હોય છે. પછી ભલેને તેના માટે ગમેતેટલું જોખમ કેમ ન ઉઠાવવું પડે? આથી જ તો ૮૩ વર્ષના કેન્સરપીડિત જ્હોન બેરોટ ૬૦૦૦ ફૂટની ઊંચાઈએથી પેરાગ્લાઇડિંગ કરતાં પણ જરાય ખચકાયા નહોતા. જ્હોનનાં ૬૧ વર્ષીય પત્ની માર્ગારેટ અલ્ઝાઇમરથી પીડિત છે. તેમની સારવાર માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા જ્હોને આ સાહસ ખેડ્યું હતું. આ કપલને સ્થાનિક લોકો ‘રિયલ લાઇફ નોટબુક’ના નામે ઓળખે છે.
કેન્સરગ્રસ્ત હોવા છતાં જ્હોન પોતાની કોઇ પરવા કર્યા વગર માર્ગારેટને મળવા માટે દરરોજ નર્સિંગહોમ જાય છે અને આઠથી નવ કલાક તેની સાથે વીતાવે છે. તાજેતરમાં તેમને પત્નીના ઇલાજ માટે હોસ્પિટલમાં ૫૦૦ પાઉન્ડ જમા કરાવવાના હતા. કોઈએ તેમને ફંડરેઇઝીંગ માટે આઇડિયા આપ્યો અને તેઓ પેરાગ્લાઇડિંગ કરવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે આટલી ઊંચાઈએથી પેરાગ્લાઇડિંગ કરતી વખતના તેમના ફોટોગ્રાફ્સ લોકોમાં ફરતાં થયા તો અપેક્ષા કરતા વધુ એટલે કે ૧૬૦૦ પાઉન્ડની રકમ જમા થઈ ગઈ.
જોન બેરોટ કહે છે કે મારા શહેરમાં કદાચ હું જ સૌથી મોટી ઉંમરનો એવો વૃદ્ધ હોઇશ જેણે આ ઉંમરે આવું જોખમી સાહસ ખેડ્યું હોય. જોકે આમ કરવામાં મને જરાય ડર લાગ્યો નહોતો. મેં આશરે અડધા કલાક સુધી પેરાગ્લાઇડિંગ કર્યું હતું. મને લાગતું હતું કે આ કરવું જોઈએ અને મેં કરી બતાવ્યું છે. હું મારી ઇન્સ્ટ્રક્ટર સાથે ગયો, પહાડો પર નજર કરી અને જાતને સજ્જ કરી લીધી.
જ્હોન ૧૯૫૩માં માર્ગરેટને મળ્યા હતા અને લગભગ એક વર્ષ પછી તેમણે લગ્ન કરી લીધા. માર્ગરેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતાં હતાં, પરંતુ ૨૦૦૬માં તેમને આ બીમારી ઘેરી વળી. છેલ્લા એક વર્ષથી તેઓ હોસ્પિટલમાં જ છે. ત્યાંનો સ્ટાફ તેમને ફિલ્મ ‘નોટબુક’ના કપલની જેમ જ ટ્રીટ કરે છે. જ્હોન પણ આ વાતે સંમત થતાં કહે છે કે ‘હું અને માર્ગરેટ રિયલ લાઇફ નોટબુક જ છીએ.’
જ્હોન કહે છે જૂઓને... આ આઠ કલાકની મુલાકાત દરમિયાન અમે કેટલી બધી જૂની યાદો તાજી કરીએ છીએ?! કેવી રીતે મળ્યાં હતાં, કેવી રીતે સંસાર વસાવ્યો તે બધી વાતો, સાથે મળીને મ્યુઝિક સાંભળવું... વગેરે જેવી હજારો બાબતો છે જે અમને એકબીજા સાથે જીવવાનું કારણ પૂરું પાડે છે.
જ્હોન કહે છે કે ‘૬૧ વર્ષનો અમારો સાથ છે, પરંતુ જિંદગીમાં આવો સમય પણ આવશે તે કદી વિચાર્યું નહોતું. આ વાત ખૂબ દુઃખી કરે છે. તે મને બરાબર રીતે જોઈ પણ શકતી નથી. ક્યારેક તો તેને યાદ પણ રહેતું નથી કે હું જ તેનો પતિ છું. દિલને બહુ દુઃખ થાય છે, પરંતુ તેના માટેનો મારો પ્રેમ રતિભાર પણ ઓછો થયો નથી. તેના માટે હું કંઈ પણ કરી શકું છું.’