મુંબઈઃ મહાનગરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં વર્ષ ૨૦૦૬માં ૧૧ જુલાઈની સાંજે ૬.૨૩ કલાકથી આઠ મિનિટમાં થયેલા સાત બોમ્બ વિસ્ફોટના કેસમાં વિશેષ કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે જ્યારે એક આરોપીને નિર્દોષ મુક્ત કર્યો છે. પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કોચમાં એક પછી એક થયેલા બોમ્બ વિસ્ફોટોમાં ૧૮૯ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ૮૧૭ને નાની-મોટી ઈજા પહોંચી હતી.
મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ - ‘મકોકા’) કોર્ટે આઠ વર્ષ ચાલેલી સુનાવણી દરમિયાન કુલ ૧૯૨ સાક્ષીઓને તપાસ્યા હતા. તમામ દોષિતોને આગામી સુનાવણીમાં સજા ફરમાવાશે. પીડિત પરિવારોએ દોષિતોને મૃત્યુદંડની સજા ફરમાવવા માગ કરી છે. જોકે આ કેસમાં કુખ્યાત આતંકી આઝમ ચિમા સહિત ૧૭ આરોપી આજે પણ ફરાર છે. આમાંથી ૧૩ પાકિસ્તાની નાગરિક છે.
ગુજરાતીઓ નિશાન
મુંબઈના પશ્ચિમી પરા વિસ્તારોમાં ગુજરાતીઓની વસતી વધુ છે. ગુજરાતી બિઝનેસમેન અને વેપારીઓ મુખ્યત્વે લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરતાં હોય છે. ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવવા માટે જ લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસના કોચને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા.
સમગ્ર ભારતને હચમચાવી નાખનારા આ આતંકી ષડયંત્રના ભાગરૂપે ૧૧ જુલાઇના રોજ ખાર રોડ-સાંતાક્રુઝ, બાંદ્રા-ખાર રોડ, જોગેશ્વરી-માહિમ જંક્શન, મીરા રોડ-ભાયંદર, માટુંગા-માહિમ જંક્શન અને બોરીવલી વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં એક પછી એક સાત વિસ્ફોટો થયા હતા.
માત્ર ૧૧ મિનિટમાં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ૧૮૮ જણનાં મૃત્યુ થયા હતા જ્યારે ૮૨૯ને ઈજા થઇ હતી. જૂન ૨૦૦૭માં શરૂ થયેલી કેસની સુનાવણી આઠ વર્ષ એટલે કે ઓગસ્ટ ૨૦૦૭ સુધી ચાલી હતી. લગભગ આઠ વર્ષ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ૧૯૨ અને બચાવ પક્ષે ૫૧ સાક્ષી તપાસ્યા હતા જ્યારે એક સાક્ષીને અદાલત દ્વારા બોલાવાવામાં આવ્યો હતો. વિશેષ ‘મકોકા’ કોર્ટના ન્યાયાધીશ શિંદેએ ચુકાદો લખવામાં ૧૧ મહિનાનો સમય લીધો હતો.
ષડયંત્રની તપાસ એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને સોંપવામાં આવી હતી, જેણે ૨૦ જુલાઈથી ૩ ઓક્ટોબર, ૨૦૦૬ દરમિયાન કુલ ૧૩ આરોપીની ધરપકડ કરી હતી. આમાંથી ૧૧ આરોપીઓએ પોલીસ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ્યો હતો જોકે બાદમાં તેમણે નિવેદન ફેરવી તોળ્યું હતું.
તમામ ૧૩ આરોપીઓ સામે ઇંડિયન પીનલ કોડની વિવિધ કલમ, એક્સપ્લોસિવ્સ એક્ટ, પ્રિવેન્સન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, ઈન્ડિયન રેલવે એક્ટ, ‘મકોકા’ અને અનલોફુલ એક્ટિવિટીસ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપનામું ૩૦ નવેમ્બર, ૨૦૦૬ના રોજ દાખલ કરાયું હતું.
સ્પેશ્યલ ‘મકોકા’ કોર્ટે તપાસેલા સાક્ષીઓમાં આઠ આઇપીએસ અધિકારીઓ, પાંચ આઇપીએસ અધિકારીઓ અને તેમ જ ૧૮ ડોક્ટરોનો સમાવેશ થતો હતો. કુલ ૫૫૦૦ પાનમાં સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
કસૂરવાર કોણ અને નિર્દોષ કોણ?
દોષિત ઠરેલા ૭/૧૧ બોમ્બ વિસ્ફોટના ૧૨ આરોપીઓમાં કમાલ અહેમદ અન્સારી (૩૭), તનવીર અહેમદ અન્સારી (૩૭), મોહમ્મદ ફૈસલ શેખ (૩૬), અહેતેશામ સિદ્દીકી (૩૦), મોહમ્મદ માજીદ શફી (૩૨), શેખ આલમ શેખ (૪૧), મોહમ્મદ સાજીદ અન્સારી (૩૪), મુઝમ્મીલ શેખ (૨૭), સોહેલ મહેમુદ શેખ (૪૩), ઝમીર અહેમદ શેખ (૩૬), નાવેદ હુસેન ખાન (૩૦) અને આસિફ ખાન (૩૮)નો સમાવેશ થાય છે. જ્યારે નિર્દોષ મુક્ત કરવામાં આવેલા એક આરોપીમાં ૩૪ વર્ષના અબ્દુલ વાહીદ શેખનો સમાવેશ થાય છે.
અંધા કાનૂનઃ દોષિતના પરિવારજનોનો આક્રોશ
દોષિત આરોપીઓના પરિવારજનોમાં ચુકાદા બાદ ભારે આક્રોશ અને અસંતોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. ‘અંધા કાનૂન હૈ’, એમ એક દોષિતના સંબંધીએ ચુકાદા બાદ જણાવ્યું હતું. કસૂરવાર સાજીદ અને નિર્દોષ મુક્ત થયેલા આરોપી અબ્દુલ વાહિદ શેખના પરિવારજને પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નીચલી અદાલત પાસેથી આ સિવાય બીજી શું અપેક્ષા રાખી શકાય. અબ્દુલ સામે કોઈ પુરાવા નથી અને સીડીઆર પરથી પણ પુરવાર નથી થતું કે સાજીદ ઘટના સમયે સ્થળ પર હતો.
પાકિસ્તાની આરોપીઓ ક્યારે કાયદાના કઠેડામાં?
૨૦૦૬ના આ કેસમાં કુલ ૩૦ આરોપીમાંથી ૧૭ ભારતીય અને ૧૩ પાકિસ્તાની છે. આજ સુધી ૧૩ પાકિસ્તાની અને ૪ ભારતીય આરોપીઓ ફરાર છે. પાકિસ્તાની આરોપીઓ સામે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન હોવાની પીડિતોના પરિવારજનોની ફરિયાદ છે. સૌથી મોટો સવાલ એ છે કે આ પાકિસ્તાની આરોપીઓ અને ૪ ભારતીય આરોપીઓને ન્યાયના કઠેડામાં ક્યારે ઉભા કરાશે?
એક અવરોધે કેસ અને
કેસ બે વર્ષ સ્થગિત
જૂન ૨૦૦૭માં કેસની સુનાવણી શરૂ થયા બાદ ફેબ્રુઆરી ૨૦૦૮માં ૧૩ પૈકીના એક આરોપી કમાલ અન્સારીએ ‘મકોકા’ની વ્યાખ્યામાં નોંધાયેલા ‘આતંકવાદને ઉત્તેજન’ શબ્દને ગેરબંધારણીય ગણાવીને કાનૂની પડકાર ફેંકતાં સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી પર સ્ટે આપ્યો હતો. એપ્રિલ ૨૦૧૦માં કોર્ટે અરજી ફગાવી દેતાં કેસની સુનાવણીનો પુનઃ પ્રારંભ થયો હતો.
ગુજરાતનાં રમખાણોમાં રડતા કુત્બુદ્દીનનો ફોટો બતાવીને કરાયું હતું બ્રેઈન વોશ
મુંબઈઃ ૨૦૦૬ની ૧૧ જુલાઈએ મુંબઈની ટ્રેનોમાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ ધડાકાનું કાવતરું એ ઘટનાનાં ચાર વર્ષ પહેલાં ૨૦૦૨માં પાકિસ્તાનના બહાવલપુરમાં વિસ્ફોટ થયો એ પહેલાં ઘડવામાં આવ્યું હતું. લશ્કરે તોયબાના પીઠબળથી બહાવલપુરમાં આતંકવાદીઓ માટે ટ્રેઈનિંગ કેમ્પ ચલાવતા આઝમ ચીમાએ મુંબઈ, બિહાર અને નેપાલ બોર્ડર પરના સૂત્રોના મદદથી વિસ્ફોટો માટે નેટવર્ક તૈયાર કર્યું હતું.
તેણે ફૈઝલ અતાઉર રહેમાન શેખ દ્વારા ભારતીય મુસ્લિમ યુવાનોની લાગણીઓને ઉશ્કેરવાનો ત્રાગડો રચ્યો હતો. અનેકને મળીને ગુજરાતનાં રમખાણોની યાદ તાજી કરાવી હતી. યુવાનોની લાગણી ઉશ્કેરવા માટે ફૈઝલ અને તેના સાથીઓ ગુજરાતનાં રમખાણોમાં હુમલાખોરોને રડતાં-રડતાં વિનવણી કરતા કુત્બુદ્દીન અન્સારીનો ફોટોગ્રાફ વારંવાર બતાવતા રહેતા હતા.
ફૈઝલ અગાઉ આઝમ ચીમાનો બોડીગાર્ડ હતો અને અવારનવાર ભારત-પાકિસ્તાન વચ્ચે અવરજવર કરતો રહેતો હતો. ફૈઝલને તેની પ્રવૃત્તિ માટે આઝમ ચીમા હવાલા દ્વારા નાણા મોકલતો હતો.
દરમિયાન આઝમ ચીમાને નેપાલ બોર્ડ પર બિહારની મધુબની જિલ્લાના રહેવાસી કમાલ અહમદ મોહમ્મદ વકીલ અન્સારીનો પરિચય થતાં તેને પણ આ કાવતરાંમાં જોડવામાં આવ્યો હતો.
એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ટ્રેનોમાં વિસ્ફોટોનાં ચાર વર્ષ પહેલાં મુંબઈ, મીરાં રોડ અને મુમ્બ્રાના પચાસેક યુવાનોને ટ્રેઈનિંગ માટે બહાવલપુર કમ્પાઉન્ડ મોકલવામાં આવ્યા હતા. યુવાનોને ભારતમાં સ્લીપર સેલ તરીકે કામ કરવાની તાલીમ આપવામાં આવી હતી. ફૈઝલ શરૂઆતમાં ટ્રેનોમાં વિસ્ફોટોની યોજનામાં જોડાવા ઈચ્છતો નહોતો, પરંતુ ચીમાએ તેને સતત સમજાવીને છેવટે એમાં સામેલ કર્યો હતો.