લંડનઃ વર્તમાન ચૂંટણી અંગે એક રસપ્રદ બાબત બહાર આવી છે કે સાતમી મેના મતદાનના દિવસે વડા પ્રધાન ડેવિડ કેમરને રાજીનામાનું જાહેર સંબોધન કરવાનું રિહર્સલ કરી નાખ્યું હતું. લેબર પાર્ટીનો વિજય થાય તેવી પરિસ્થિતિમાં કેમરને પરિણામોમાં વિજય વિશે અચોક્કસ ટોરી નેતાએ ઓક્સફર્ડશાયરના તેમના ઘર બહાર ગાર્ડનમાં એકત્ર સલાહકારો અને સમર્થકોની હાજરીમાં સવારે ૬.૩૦ કલાકે તેઓ નં-10 કેવી રીતે છોડશે તેના સંબોધનની પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે પરિણામો અગાઉ, લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડે વિજય પ્રવચન લખવા માંડ્યું હતું, જે એક્ઝિટ પોલ પછી અટકાવી દીધું હતું.
આ પછી થોડાં કલાકે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ટોરી પાર્ટી વિજયના માર્ગે હોવાનું જાહેર થયું ત્યારે બધાને સુખદ આંચકો લાગ્યો હતો. ચૂંટણીની જાહેરાતથી જ વરિષ્ઠ ટોરી નેતાઓ વિજયનો દાવો કરી રહ્યા હતા, પરંતુ પડદા પાછળ તેમણે પરાજયની માનસિક તૈયારી પણ રાખી હતી.