લંડનઃ શાવર લેતી ધાર્મિક મુસ્લિમ મહિલાની ફિલ્મ ઉતારી તેને બીજી પત્ની બનવાની ફરજ પાડનારા કાર્ડિફના 34 વર્ષના પરીણિત બિઝનેસમેનને મેર્થીર ક્રાઉન કોર્ટે ૧૬ વર્ષ જેલની સીમાચિહ્નરુપ સજા ફરમાવી છે. બિઝનેસમેને આ ૨૫ વર્ષીય મહિલાને બ્લેકમેઈલ કરવા ઉપરાંત તેના પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. કોર્ટના જજ ડેનિયલ વિલિયમ્સે હિંમત અને ધીરજ દર્શાવવા બદલ મહિલાની પ્રશંસા કરી હતી. યુકેમાં ગયા વર્ષે જૂનમાં અમલી બનેલા એન્ટિ-સોશિયલ બીહેવિયર, ક્રાઈમ એન્ડ પોલિસિંગ એક્ટ ૨૦૧૪ અન્વયે બળજબરીથી લગ્ન કરવાની ઘટનાઓમાં જેલની સજાનો આ પ્રથમ કિસ્સો છે.
જજે જણાવ્યું હતું કે ચુસ્ત મુસ્લિમ હોવાનો દાવો કરનારા બિઝનેસમેને મિત્રો સાથે મેળાવડાના બહાને કુંવારી મુસ્લિમ યુવતીને પોતાના ઘેર બોલાવી તેને બાંધી દઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, યુવતીને સ્નાન કરવા જવા દઈ તેનું ફિલ્માંકન પણ કર્યું હતું. આ ફિલ્મ તેણે યુવતીને બતાવી હતી. આના કારણે બીજો કોઈ પુરુષ તેની સાથે લગ્ન નહિ કરે તેમ ઠસાવી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. તેણે લગ્ન ના કરે તો ફિલ્મ જાહેર કરવા અને તેના માતાપિતાની હત્યા કરવાની પણ ધમકી આપી હતી. પરિણીત હોવા છતાં આ યુવતી તરફ આકર્ષાયેલા બિઝનેસમેને વર્ષો સુધી તેનો પીછો કર્યો હતો. ગયા મહિને ટ્રાયલ શરુ થયા પછી યુવતી જુબાની આપવાની હતી તેના થોડા સમય પહેલા જ બિઝનેસમેને ગુનાની કબૂલાત કરી હતી.
બ્રિટનની ચોક્કસ કોમ્યુનિટીઓમાં બળજબરીથી કરાવાતા લગ્નને ક્રિમિનલ અપરાધ ગણવા કેરન સરકાર પર ભારે દબાણ લાવનારા જસ્વિન્દર સાંઘેરાએ જણાવ્યું હતું કે આ સૌપ્રથમ સજાથી પીડિતોને મજબૂત સંદેશો પહોંચશે એટલું જ નહિ, રંગભેદના આક્ષેપોનો ભોગ બનવાથી ડરતા સામાજિક કર્મશીલોને પણ મદદ મળશે. આ એક નાનો છતાં મહત્ત્વનો વિજય છે. જો તમે ગુનેગારને દોષિત ઠરાવવા આગળ આવશો તો તમને મદદ મળશે. અમે ૨૩ વર્ષથી લોકોને જાગૃત કરવા લડત ચલાવી રહ્યાં છીએ. અગાઉ આબરુ સંબંધિત હિંસાનો શિકાર બનેલાં જસ્વિન્દર સાંઘેરા કર્મ નિર્વાણ ચેરિટી તેમજ ધ ઓનર નેટવર્ક સપોર્ટ ગ્રૂપ અને હેલ્પલાઈન ચલાવે છે.
ક્રાઉન પ્રોસિક્યુશન વેલ્સના રેપ એન્ડ સીરિયસ સેક્સ્યુઅલ ઓફેન્સીસ યુનિટના વડા ઈવાન જેન્કિન્સે જણાવ્યું હતું કે બળજબરીથી કરાતાં લગ્નો જીવન અને પરિવારોને બરબાદ કરી નાખે છે. વર્તમાન બ્રિટનમાં ફોર્સ્ડ મેરેજીસ ચલાવી નહિ લેવાય તેવો સંદેશ આ સજા પહોંચાડશે તેવી મને આશા છે. પીડિત મહિલાએ આ બાબતો જણાવીને ભારે હિંમત અને બહાદુરી દર્શાવી છે.