લંડનઃ શહેરના જેમ્સ પેલેસમાં યોજાયેલી સ્ટાર્ટઅપ કોમ્પિટિશનમાં ગુજરાતી યુવાન માલવ સંઘવીએ બનાવેલા કાર્ડબોર્ડના બેબીલાઇફબોક્સ નામના ઇન્ક્યુબેટરને ત્રીજું ઇનામ મળ્યું હતું. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના ગ્રેજ્યુએટ અને હાલ ઇમ્પીરિયલ કોલેજ લંડન અને રોયલ કોલેજ ઓફ આર્ટમાં ઇનોવેશન ડિઝાઇન એન્જિનિયરિંગ (IDE)માં માસ્ટર્સ ડ્યુઅલ ડિગ્રીમાં અભ્યાસ કરતા માલવની આ રચના નવજાત બાળકોના આરોગ્યના રક્ષણમાં ખૂબ ઉપયોગી થવાની આશા છે. નજીવા ખર્ચના કારણે એની ઉપયોગિતા વિશેષ છે.
માલવ સંઘવીના જણાવ્યા પ્રમાણે, જન્મ થયા પછી ૨૪ કલાકમાં બાળકો મૃત્યુ પામવાનું દુનિયામાં સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે. આ રીતે દર વર્ષે ત્રણ લાખથી વધારે નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. એથી એવાં બાળકોની કાળજી માટે બેબીલાઇફબોક્સ ઉપયોગી થઈ શકે. અમારા પ્રાથમિક સંશોધન પ્રમાણે ભારતની હેલ્થકેર સર્વિસીસમાં બાળકોના જન્મ વેળાની સારવાર માટે જરૂરી સગવડો પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સમાં છે, પરંતુ એમાં પ્રિમેચ્યોર તથા નવજાત શિશુઓની કાળજી માટે પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ નથી.
બેબીલાઇફબોક્સ એટલે કે કાર્ડબોર્ડના ઇન્ક્યુબેટરનો વિચાર કેવી રીતે આવ્યો એની સ્પષ્ટતા કરતાં માલવ સંઘવીએ જણાવ્યું હતું કે ‘કેટલાંક વર્ષ પહેલાં મારા પિતરાઈ ભાઈની બાળકીને થોડા દિવસ માટે ઇન્ક્યુબેટરમાં રાખવી પડી હતી. બાળકીને જીવતી રાખવા માટે એ આવશ્યક હતું. અમે ભારતના એક વિકસિત રાજ્યમાંથી હોવાથી અમને તમામ સગવડો મળી એ અમારી ખુશનસીબી હતી. એથી મને વિચાર આવ્યો કે ભારતનાં દૂર-દૂરનાં અંતરિયાળ ગામડાંમાં તાત્કાલિક સારવારની જરૂર હોય એવાં શિશુઓ અને તેમની ફેમિલીનું શું થતું હશે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના આંકડા પ્રમાણે દુનિયામાં નવજાત શિશુઓના મૃત્યુના ૯૯ ટકા કિસ્સા મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા દેશો અને ગરીબ દેશોમાં બને છે.’

