લંડનઃ વેમ્બ્લી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને આગાહી કરી હતી કે બ્રિટનમાં ભારતીય મૂળના વડા પ્રધાન હોય એ સમય દૂર નથી. જોકે, ૬૦ હજારથી વધુ લોકોના ‘મોદી, મોદી’ના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે તેમનો અવાજ દબાઈ ગયો હતો.
કેમરને ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘નમસ્તે વેમ્બલી. એ દિવસ દૂર નથી કે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં ભારતીય મૂળના વડા પ્રધાન હશે. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો લોકો અને તેમની સમૃદ્ધિ માટેના છે. હું અને પીએમ મોદી પડકારજનક સમયમાં શાસન કરી રહ્યા છીએ.’ બ્રિટનવાસી ભારતીય સમુદાયમાં વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાને કેટલાક લોકોએ ‘વટાવી’ ખાધી હતી. ટિકિટોનું વેચાણ કરનારા ઈંગ્લિશ એજન્ટ બ્રાન્ડને કહ્યું હતું કે તેણે આ કાર્યક્રમની કેટલીક ટિકિટો ૫૦-૫૦ પાઉન્ડમાં લોકોને વેચી હતી. ખરેખર તો આ ટિકિટોનું વિતરણ નિઃશુલ્ક કરાયું હતું.
કેમરનને વિશેષ આમંત્રણ
વેમ્બલી સ્ટેડિયમમાં વડા પ્રધાન મોદીના ભવ્ય સ્વાગત સમારંભના આયોજકો, પરફોર્મર્સ અને કળાકારોએ વડા પ્રધાન કેમરનને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ જઈને ખાસ તૈયાર કરાયેલી ટિકિટ સાથે આમંત્રણ આપ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયન આર્ટિસ્ટ જય સીન, ભરતનાટ્યમ્ નૃત્યાંગના ગીતા શ્રીધર, ભાંગડા નૃત્યકાર પ્રણવ ભાનોટ, શ્રી મુક્તજીવન પાઈપ બેન્ડ બેગપાઈપર કલાકાર પરિમલ વેકરિયા અને બ્રિટિશ રાષ્ટ્રગીત ગાયિકા પેટ્રિશિયા રોઝારિયો-OBE સંપૂર્ણ વેશભૂષા સાથે કેમરનને મળ્યા હતા અને તેમને કાર્યક્રમનું વિશેષ આમંત્રણ આપ્યું હતું. વેમ્બલી સ્ટેડિયમના સ્ટેજ પર પરફોર્મન્સમાં શ્રેષ્ઠ બ્રિટિશ અને ભારતીય કળાકારોએ ભાગ લીધો હતો.
ભારત અને યુરોપના ક્લાસિકલ અને લોકનૃત્યોથી માંડી પોપ મ્યુઝિક અને સિમ્ફની ઓરકેસ્ટ્રાના કળાકારોએ પોતાની નિપૂણતા દર્શાવી હતી. ૫૫ ગાયકો, ૨૭૦થી વધુ ડાન્સર્સ, ૧૫૫થી વધુ સંગીતકારો, ૧૮૦ બાળકોના વૃંદે તેમાં ભાગ ભજવ્યો છે. રેકોર્ડ્સ આર્ટિસ્ટ સોના રેલે, લખનૌમાં જન્મેલી અને લંડનમાં રહેતી બોલિવુડની ગાયિકા કનિકા કપૂરે થીમ સોંગ ‘હેલો નમસ્તે’ ગીત ગાયું હતું.

