લંડનઃ બ્રિટિશ સંસદની આ બિલ્ડિંગ સાથે ઘણી બધી ઐતિહાસિક યાદો જોડાયેલી છે. આ બંને દેશનો સંબંધ પણ ઐતિહાસિક છે. હું અત્યારે એટલું જ કહીશ કે અમારા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટન આવ્યા હતા. જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંહ સુધીના આધુનિક ભારતના અનેક ઘડવૈયાઓ અને મારા પુરોગામીઓ પણ બ્રિટન આવી ચૂક્યા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ બ્રિટીશ સંસદમાં આપેલું ભાષણ આ ઉચ્ચારો સાથે શરૂ થયું હતું.
વડા પ્રધાન મોદી બ્રિટીશ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરનારા પહેલા ભારતીય વડા છે. આ અંગે વડા પ્રધાન મોદીએ બ્રિટીશ સંસદના સ્પીકર જ્હોન બર્કોનો આભાર માનતા કહ્યું હતું કે, હું જાણું છું કે અત્યારે અહીંની સંસદનું સત્ર ચાલી નથી રહ્યું. આમ છતાં, તમે મારા માટે રોયલ કોર્ટના દરવાજા ખોલ્યા છે.
આ પ્રસંગે હાજર તમામ સાંસદોનો આભાર માનીને મોદીએ ભારત અને બ્રિટનનો સંબંધ કેટલો ઊંડો છે એના ઉદાહરણ આપતા હળવી શૈલીમાં કહ્યું હતું કે, ભારતીય લંડનના ભાંગરા રેપ સોંગ્સને પસંદ કરીએ છીએ અને એવી જ રીતે, તમે પણ ભારતમાં લખાયેલી અંગ્રેજી નવલકથાઓને ચાહો છો.
અહીં આવતા પહેલાં મેં અને કેમરને સંસદની બહાર ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી એમ જણાવીને મોદીએ કહ્યું હતું કે, હું વિદેશ જઉં છું ત્યારે ઘણાં લોકો મને પૂછે છે કે બ્રિટીશ સંસદની બહાર મહાત્મા ગાંધીનું પૂતળું કેવી રીતે હોઈ શકે? આ અંગે હું તેમને જવાબ આપું છું કે, બ્રિટિશ પ્રજા ગાંધીની મહાનતા ઓળખી લે એટલી શાણી છે, ભારત ગાંધીને તેમની સાથે વહેંચી શકે એટલું ઉદાર છે અને બંને દેશોને ગાંધીનું જીવન અને કાર્ય સ્પર્શ્યું એટલા અમે નસીબદાર છીએ. અમે અમારા ઈતિહાસની શક્તિથી ભવિષ્યના સંબંધોને મજબૂત બનાવીએ એટલા સ્માર્ટ છીએ.

