લંડનઃ લાંબા સમયથી જેમના આગમનની ચાતકનજરે રાહ જોવાતી હતી તેવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસની લંડન મુલાકાતે બ્રિટનવાસી ભારતીય સમુદાયની દિવાળી યાદગાર બનાવી દીધી છે. નામદાર મહારાણી સાથેનું લંચ હોય કે વડા પ્રધાન ડેવિડ કેમરન સાથેની મંત્રણા, સંસદના સંયુક્ત સત્રને સંબોધન હોય કે વેપારઉદ્યોગ ક્ષેત્રના દિગ્ગજો સાથેની બેઠક કે પછી વેમ્બલી સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધન દરેક સ્તરે ‘મોદી મેજીક’ છવાયેલું જોવા મળતું હતું.
૬૦ હજારથી વધુ ભારતીયોથી ખીચોખીચ ભરાયેલા વેમ્બલી સ્ટેડિયમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે વિવિધતામાં એકતા જ ભારત દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતાને કોઇ સ્થાન નથી.
વડા પ્રધાન મોદીએ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટના ૧૫ ડિસેમ્બરથી ફરી પ્રારંભની જાહેરાત કરીને ભારતીય, સવિશેષ ગુજરાતી સમુદાયના દિલ જીતી લીધા હતા. આ જાહેરાત વેળા તેમણે એબીપીએલ ગ્રૂપના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે આ ફ્લાઇટના પુનઃ પ્રારંભ માટે ઉઠાવેલી ભારે જહેમતને બિરદાવી હતી. (વિશેષ અહેવાલ માટે વાંચો પાન-૨) ઉલ્લેખનીય છે કે ‘ગુજરાત સમાચાર’ના ૩૧ ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાં જ અહેવાલ પ્રકાશિત થયો હતો કે વડા પ્રધાન મોદી તેમના બ્રિટન પ્રવાસ દરમિયાન આ સીધી ફ્લાઇટના ફરી પ્રારંભની જાહેરાત કરશે.
વડા પ્રધાન મોદી ૧૨ નવેમ્બરે ત્રણ દિવસની બ્રિટનયાત્રા માટે લંડન આવી પહોંચ્યા ત્યારે હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. ભારતીય વડા પ્રધાનને આવકારવા માટે બ્રિટિશ સાંસદ અને ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલ, ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર જેમ્સ બેવન, સાંસદ હ્યુગો સ્વાઈર સહિતના નેતાઓ ખાસ હાજર રહ્યાં હતાં.
હોટેલમાં લંચ બાદ તેઓ વડા પ્રધાન ડેવિડ કેમરનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા હતા. યજમાન વડા પ્રધાન ડેવિડ કેમરને કિંગ ચાર્લ્સ સ્ટ્રીટ પર ભારતીય વડા પ્રધાનનું ઔપચારિક સ્વાગત કર્યું. બાદમાં નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ સાથે જ મોદી બ્રિટનમાં ગાર્ડ ઓફ ઓનરનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા હતા. બાદમાં બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ યોજાઈ હતી. વડા પ્રધાન કેમરને આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધીને, પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
બાદમાં બન્ને દેશના વડા પ્રધાનોએ પાર્લામેન્ટ સ્ક્વેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નવસ્થાપિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન મોદીએ આ પછી રોયલ ગેલરી ખાતે બ્રિટિશ પાર્લામેન્ટના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ મધર ઓફ પાર્લામેન્ટ્સ ગણાતી બ્રિટિશ સંસદમાં ઐતિહાસિક પ્રવચન આપતા આતંકવાદ મુદ્દે એક થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જે બાદ મોદીને બ્રિટિશ સંસદમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ પૂર્વે નરેન્દ્ર મોદી અને ડેવિડ કેમરને લંડન બ્રિજની મુલાકાત લીધી હતી.
આ જ દિવસે સાંજે તેમણે ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી ટોચની કંપનીઝના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરીને તેમને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે આ દિગ્ગજો સાથે મંત્રણા કરીને તેમની સમસ્યાઓને સમજવાનો અને પોતાનો મહત્ત્વાકાંક્ષી ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ આગળ ધપાવવા પ્રયાસ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ સિટી ઓફ લંડનને સંબોધતા મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો હતો. તેમણે ઇન્ડસ્ટ્રી, ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે પણ વાત કરી હતી. તેમણે ઐતિહાસિક ગિલ્ડ હોલની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સુરક્ષા, સંરક્ષણ, આર્થિક, વિકાસમાં ભાગીદારી, ઊર્જા અને ક્લાઇમેટ ચેન્જ જેવા ક્ષેત્રોમાં મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
પ્રતિબંધ ક્યારેય હતો જ નહીંઃ મોદી
વડા પ્રધાન કેમરન સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી રહેલા વડા પ્રધાન મોદીને ભારતમાં વધતી જતી અસહિષ્ણુતા મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ભારત એ બુદ્ધ અને ગાંધીની ધરતી છે અને દેશમાં અસહિષ્ણુતાની કોઈ પણ ઘટનાને સહન કરી લેવામાં નહીં.’ ગોધરાકાંડના સંદર્ભે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી પર યુકે આગમન પર પ્રતિબંધ લગાવાયા વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે બ્રિટને ક્યારેય તેમના પર આ દેશમાં પ્રવેશવા સામે પ્રતિબંધ મૂક્યો જ નહોતો.
સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ એવી જાહેરાત પણ કરી કે ભારત અને બ્રિટન વચ્ચે અસૈનિક પરમાણુ સમજૂતી થઈ ગઈ છે. જ્યારે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન વડા પ્રધાન કેમરને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિટન યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કરે છે.
ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દે રજૂઆત
વડા પ્રધાન મોદીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતથી બ્રિટન જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકાથી વધારેનો ઘટાડો થયો હોવાનું જણાવી વડા પ્રધાન કેમરન સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરતાં જણાવ્યું કે ભારતના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ છે અને તેઓને ઉચ્ચ શિક્ષણની જરૂર છે અને તેમની કાબેલિયતનો બ્રિટનને પણ લાભ થશે. અભ્યાસ પછી બે વર્ષ બ્રિટનમાં કામ કરવાની છૂટ પાછી ખેંચી લેવામાં આવતાં બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.
શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં સૌથી વધુ રોજગાર આપતી ભારતીય કંપની તાતા ગ્રૂપની જેગુઆર લેન્ડરોવરની મુલાકાત લીધી હતી, તે પહેલાં મોદીએ ૧૨મી સદીના કન્નડ સંત બસવેશ્વરની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ ડો. બી. આર. આંબેડકરના મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોદી શનિવારે સાંજે જી-૨૦ સમિટમાં ભાગ લેવા તુર્કીની રાજધાની અંકારા રવાના થઇ ગયા હતા.
ચર્ચામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય
વડા પ્રધાન ડેવિડ કેમરન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ ત્યારે ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મુદ્દો પણ ચમક્યો હતો. કેમરને કહ્યું હતું કે, સલમાન રશદી સહિત આશરે ૨૦૦ લેખકોએ ઓપન લેટર લખીને મારા સમક્ષ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે મુદ્દે મેં મોદી સાથે ચર્ચા કરી છે. અમે ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ હકારાત્મક છીએ.
કેમરને કહ્યું હતું કે મેં તેઓ સમક્ષ આ અંગે ચર્ચા કરી હતી. અમે જે વિષયો પર ચર્ચા કરી છે એમાં 'ઓફ ધ ટેબલ' કંઈ જ નથી. હું ભારતને પણ બ્રિટનની જેમ જ જોઉં છું. ભારત એક વિવિધ જાતિ, શ્રદ્ધા, રંગ ધરાવતો લોકશાહી દેશ છે, જ્યાં બહુ જ મજબૂત રીતે જાહેર ચર્ચા થાય છે. ભારતમાં કાયદાનું શાસન છે અને આવા અનેક મુદ્દે ભારત અને બ્રિટન એકબીજા પાસેથી ઘણું બધું શીખતા રહેશે.
અસહિષ્ણુતાને સ્થાન નથી
વડા પ્રધાન મોદી ભારતમાં વધતી જતી અસહિષ્ણુતાને મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા માટે કોઇ પણ પ્રકારે સ્થાન નથી. ભારતના કોઈ પણ ખૂણે - પછી તે સાવ એક કે બે ઘટના કેમ ન હોય - અમે તેને ચલાવી લઇશું નહીં અને કાયદો તેમની સામે કડક હાથે કામ લેશે.
તેમણે કહ્યું હતું કે ૧૨૫ કરોડની વસતી ધરાવતા દેશમાં અમારે માટે દરેક ઘટના ગંભીર છે. ભારત એક ધબકતી લોકશાહી છે અને જ્યાં સામાન્ય નાગરિકોનાં જીવન અને તેમનાં મંતવ્યો તથા વિચારોને બંધારણ હેઠળ રક્ષણ આપવામાં આવેલું છે અને અમે આ બંધારણને સર્મિપત છીએ.
મારો દેશ ઇમરાનમાં વસે છે: મોદી
અસહિષ્ણુતા પર બોલતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે મારો ભારત ઇમરાન ખાન જેવા ભારતીયોમાં વસે છે. રાજસ્થાનના અલવરમાં વસતા ઇમરાને ૫૦ મોબાઇલ એપ્લિકેશનો વિકસાવી છે અને કોઇ પણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના વિદ્યાર્થીઓને સર્મિપત કરી છે. અખબારો અને ટીવી ચેનલોની હેડલાઇનો ક્યારેય દેશની સમીક્ષા કરી શકે નહીં.
૧૫ બિલિયન પાઉન્ડના કરાર
ભારત અને ઇંગ્લેન્ડના સીઈઓ ફોરમની બેઠકમાં બન્ને દેશોના છ સેક્ટરોની પારસ્પરિક સહયોગ માટે પસંદગી કરાઈ છે. જેમાં સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇકોનોમી, હેલ્થકેર, શિક્ષણ અને કૌશલ્ય, એન્જિનિયરિંગ, સંરક્ષણ અને નાણાં તથા પ્રોફેશનલ સેવાઓનો સમાવેશ થાય છે.
શુક્રવારે બન્ને દેશોની કંપનીઓ વચ્ચે રૂ. ૯૨,૦૦૦ કરોડના ૨૮ સમજૂતી કરાર થયા હતા. આ બેઠકમાં મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ પર જ મુખ્યત્વે ફોક્સ કર્યું હતું. બેઠકમાં બન્ને દેશના ટોચના ૨૦-૨૦ સીઈઓએ તેમાં ભાગ લીધો હતો.