લંડનઃ વડા પ્રધાન મોદીએ બ્રિટન પ્રવાસના બીજા દિવસે મહારાણી એલિઝાબેથ-દ્વિતીયનું આતિથ્ય માણ્યું હતું અને બકિંગહામ પેલેસમાં લંચમાં કર્યું હતું. તેઓ નામદાર મહારાણી સાથે લંચ લેનારા બીજા ભારતીય વડા પ્રધાન છે. આજથી ૪૬ વર્ષ પહેલાં ક્વિન એલિઝાબેથે તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના સન્માનમાં ભોજનસમારંભ યોજ્યો હતો.
મહારાણીએ આ પ્રસંગે ખાસ રોયલ કલેક્શનનું પ્રદર્શન યોજ્યું હતું. મુલાકાત દરમિયાન મોદીએ મહારાણીને તેમના ભારત પ્રવાસ દરમિયાનના ઐતિહાસિક ફોટોગ્રાફ્સ, દાર્જિલિંગની ચા અને તાંજોર બનાવટના સ્ટોલ્સ ગિફ્ટ સ્વરૂપે આપ્યા હતા. નોંધનીય છે કે મહારાણી ૫૪ વર્ષ પહેલાં ૧૯૬૧ના રોજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે ગયા હતા. મહારાણી તે સમયે ભારતના પ્રજાસત્તાક પર્વ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બન્ને મહાનુભાવો વચ્ચેની મુલાકાતનું સૌથી નોંધનીય પાસું તો એ હતું કે હાથમાં હંમેશા સફેદ મોજા પહેરનાર મહારાણીએ હાથમોજા પહેર્યાં વગર જ વડા પ્રધાન મોદી સાથે શેકહેન્ડ કર્યું હતું. નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે તે બાબતને ધ્યાનમાં રાખીને તેમના માટે ખાસ શાકાહારી અને ગુજરાતી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

