લંડનઃ વિવિધતામાં એકતા ભારતનું ગૌરવ, વિશેષતા અને શક્તિ છે. વિવિધ ધર્મો અને ૧૦૦થી વધુ ભાષા બોલતાં લોકોએ દુનિયાને બતાવી દીધું છે કે અમે કેવી રીતે સૌહાર્દથી જીવી શકીએ છીએ. વિશ્વના નેતાઓ મને પૂછે છે કે ૧૨૫ કરોડ લોકો શાંતિ અને ભાઈચારાથી કેવી રીતે જીવે છે. અમે નાના દેશ પર શાસન કરીએ છીએ છતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ભારતની ધરતી પર કબીર અને રહીમનો સંદેશ આપણને બધાંને પ્રેરણા આપતા રહ્યા છે. આજે વિશ્વમાં આતંકવાદનો ઇલાજ સૂફી
પરંપરા છે.
બ્રિટનની ત્રણ દિવસની મુલાકાતના બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બરે વિખ્યાત વેમ્બ્લી સ્ટેડિયમમાં ૬૦ હજારથી વધુ લોકોને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. અલબત્ત, આ દરમિયાન સ્ટેડિયમની બહાર કેટલાક જૂથોએ મોદી વિરોધી નારા પણ લગાવ્યા હતા.
મહેરબાની નહીં, સમાનતા જોઇએ
વડા પ્રધાને જણાવ્યું હતું કે હવે ભારત દુનિયાની મહેરબાનીઓ ઇચ્છતો નથી. અમે હવે સમાનતા અને બરાબરી ઇચ્છીએ છીએ. ભારત પ્રત્યે દુનિયાનું બદલાયેલું મંતવ્ય એક શુભ સંકેત છે. એક કલાક અને વીસ મિનિટના ભાષણમાં વડા પ્રધાન મોદીએ સમાનતાની વાત કરતા કહ્યું હતું કે, ભારતને દુનિયામાં બરાબરીનું સ્થાન જોઈએ છે. અમારે મહેરબાની નથી જોઈતી. હાલમાં જ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે દુનિયાના સૌથી ઓછા ભ્રષ્ટાચારી દેશોમાં ભારતનું સ્થાન દસ ક્રમ આગળ આવ્યું છે, જે બહુ મોટી સિદ્ધિ છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ ઘરઆંગણે ઉત્પાદન કરીને આત્મનિર્ભર થઈ રહ્યા છીએ.
આ દરમિયાન મોદીએ મીડિયા અને માનવાધિકાર મુદ્દે પોતાના કાર્યકાળની વાત છેડતા આડકતરી રીતે કહ્યું હતું કે, તમે ટેલિવિઝન સ્ક્રીન અને સમાચાર પત્રોની હેડલાઈનોમાં જે જુઓ છે એ અસલી ભારત નથી. ભારત આ બધું દેખાય છે એનાથી ઘણું અલગ, ઘણું ઊંચું અને ઘણું મોટું છે.
લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય રેલવેએ રૂપી બોન્ડ શરૂ કર્યા એ મુદ્દે મોદીએ રમૂજ કરતા કહ્યું હતું કે, બોન્ડ શબ્દ મને જેમ્સ બોન્ડ અને બ્રુક બોન્ડ ચાની યાદ અપાવે છે. જેમ્સ બોન્ડ અમારું મનોરંજન કરે છે અને બ્રુક બોન્ડ ચા અમને સ્ફૂર્તિ આપે છે.
મોદીએ આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગને સૌથી મોટા બે પડકાર ગણાવતા કહ્યું હતું કે, આ બંને સામે લડવું એ તમામ દેશની જવાબદારી છે. જે નાગરિક માનવતાનું મૂલ્ય સમજે છે એ બધાએ તેમાં ફાળો આપવો જોઈએ. આતંકવાદ જેવા પડકારોને સૂફી પરંપરાથી નાથી શકાય છે. ઈસ્લામમાં સૂફીવાદનો પ્રચાર વધશે તો લોકો હાથમાં હથિયારો નહીં પકડે. મહાત્મા ગાંધીનો માર્ગ પણ આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે.

