સ્ટાર્ટ અપ ઇંડિયા, સ્ટેન્ડ અપ ઇંડિયા

૬૯મા સ્વાતંત્ર્ય પર્વે વડા પ્રધાન મોદીનો નવો નારો

Wednesday 19th August 2015 06:17 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૬૯મા સ્વાતંત્ર્ય દિન પર્વે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધતાં સ્ટાર્ટ અપ ઇંડિયા, સ્ટેન્ડ અપ ઇંડિયાનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વર્ષે બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી આવી રહી છે ત્યારે દેશભરમાં ફેલાયેલી બેન્કોની સવા લાખ બ્રાન્ચો સંકલ્પ કરે કે તેઓ બ્રાન્ચ દીઠ એક આદિવાસી અથવા તો દલિત સ્ટાર્ટઅપ માટે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવશે. સરકારના આ નવા અભિયાનથી ભારતના યુવકોને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સાહસ શરૂ કરવા પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. બેન્કિંગ સેક્ટરે મહિલાઓને આગળ આવવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે નાની નોકરીઓમાં ઇન્ટરવ્યૂ પ્રથા ખતમ કરવાનું પણ વચન આપ્યું હતું. આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એને રોકવા માટે પારદર્શી ઓનલાઇન પ્રોસેસ શરૂ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ કોરી રહ્યો છે.
‘મારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો છે અને એ માટેના પ્રયાસો હું ટોચના સ્તરેથી પ્રારંભ કરવા માગું છું.’ એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે અમે કોન્ટ્રેક્ટરો દ્વારા હજુ સુધી ચલાવવામાં આવી રહેલા દેશની વ્યવસ્થાને બદલવા જઇ રહ્યા છીએ. કોલસા બ્લોકની હરાજી મારફતે દેશને ત્રણ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.
એનડીએ સરકારે સત્તા સંભાળી ત્યારે દેશની ટોચની ગુપ્તચર સંસ્થા કાળાં નાણાં સંબંધિત ૮૦૦ કેસની તપાસ કરી રહી હતી જ્યારે આજે ૧૮૦૦ કેસમાં તપાસ ચાલી રહી છે. બિનહિસાબી નાણું જાહેર કરવા લોકો આગળ આવી રહ્યા છે.
કાળા નાણાં અંગેનો કાયદો અમલી બન્યા બાદ વિદેશમાં રહેલું ૬૫૦૦ કરોડ રૂપિયાનું બિનહિસાબી નાણું જાહેર થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. કાળા નાણાંનું દૂષણ જડમૂળથી દૂર કરવાના પગલાંઓની જાણકારી આપતાં મોદીએ કહ્યું હતું કે આ કાયદાની અમુક આડઅસરો છતાં આ ઝૂંબેશ ચાલુ જ રખાશે.
૧૭મી સદીમાં બંધાયેલા લાલ કિલ્લા પરથી બીજા વર્ષે સંબોધન કરતાં દેશવાસીઓને ૨૦૨૨નો રોડમેપ તૈયાર કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના ૧૮,૫૦૦ ગામો આજે પણ વીજળીથી વંચિત છે. આ ગામોમાં વીજળી પહોંચાડતા ૧૦ વર્ષ થાય એમ છે, પણ સરકાર આ તમામ ગામોમાં ૧૦૦૦ દિવસમાં વીજળી ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.
વડા પ્રધાને સ્વચ્છ ભારત અભિયાનને તેમની સરકારની સૌથી મોટી સિદ્ધિ ગણાવતાં કહ્યું હતું કે દેશભરની શાળામાં છોકરાઓ અને છોકરીઓને અલગ અલગ શૌચાલય બનાવવાનો ટાર્ગેટ લગભગ હાંસલ થઇ ગયો છે.
અલબત્ત, તેમણે સુરક્ષા દળો માટે ‘વન રેન્ક વન પેન્શન’ના અમલ માટે કોઈ ચોક્કસ સમયસીમાની ખાતરી આપવાનું ટાળ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે સૈદ્ધાંતિક સંમત છે, પણ તેના અમલ આડેના અવરોધો દૂર કરવા મંત્રણા અંતિમ તબક્કામાં છે.
પ્રવચનમાં ૧૦ મુખ્ય જાહેરાત
• વડા પ્રધાન મોદીએ દેશનાં ૧૮,૫૦૦ ગામોમાં હજી સુધી વીજળીના થાંભલા પણ પહોંચ્યા ન હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જૂની વ્યવસ્થા ચાલુ રહી તો આ ગામોમાં વીજળી પહોંચાડતાં હજી બીજા ૧૦ વર્ષનો સમય લાગી શકે છે. જેથી મેં એક મિટિંગ બોલાવી હતી અને અધિકારીઓને છેક અંતરિયાળ ગામોમાં પણ ૧૦૦૦ દિવસમાં વીજળી પહોંચાડવા જણાવ્યું છે.
• વડા પ્રધાને કહ્યું હતું કે આ વર્ષ બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીનું વર્ષ છે. જેના ભાગ રૂપે બેન્કોની સવા લાખ બ્રાન્ચો એવો સંકલ્પ કરે કે દરેક બ્રાન્ચ એક આદિવાસી અથવા એક દલિતને સ્ટાર્ટ અપ માટે લોન આપશે.
• વડા પ્રધાને કુદરતી ખનિજ સંપત્તિથી હર્યાભર્યા રાજ્યોમાં દર વર્ષે ખાણકામ માટે ૬૦૦૦ કરોડ રૂપિયા વાપરવાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ માટે વિશેષ યોજના બનાવાશે.
• વડા પ્રધાને નાની નોકરીઓમાં ઈન્ટરવ્યૂની પ્રથા સમૂળગી નાબૂદ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની નોકરીઓમાં જ ભરતી વેળા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે. આ માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ સિસ્ટમ વિકસાવાશે એમ તેમણે કહ્યું હતું.
• વડા પ્રધાને પૂર્વ સૈનિકોને ફરી એક વાર ખાતરી આપી હતી કે સરકારે વન રેન્ક, વન પેન્શન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જુદાં જુદાં વિભાગો, સંગઠનો સાથે અંતિમ મંત્રણા ચાલે છે, જે પૂરી થયે સૈનિકો માટે વન રેન્ક, વન પેન્શનનો અમલ શરૂ થઇ જશે.
• વડા પ્રધાને ૭૫મા સ્વતંત્રતા દિનનો સંકલ્પ કરાવતા કહ્યું હતું કે આવો આપણે સવાસો કરોડ ભારતીયો ૨૦૨૨નો રોડમેપ તૈયાર કરીએ, જેના થકી આપણે સક્ષમ, સ્વસ્થ, શ્રેષ્ઠ, સ્વાભિમાની, સંપન્ન અને સ્વાવલંબી ભારતનું સપનું સાકાર કરી શકશું.
• વડા પ્રધાને કહ્યું હતું કે, દરેક વાતે કાયદો બનાવવો ફેશન બની ગઈ છે. જે ગુડ ગવર્નન્સ માટે સારું નથી. આપણે કાયદોઓને સરળ અને ઉપયોગી બનાવવા પડશે.
• વડા પ્રધાને પોતાના ભાષણમાં જાતિવાદ અને કોમવાદને દેશની એકતા માટે ઝેર સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે આવા ઝેરી વાદને કોઇ પણ સંજોગમાં પોષવા નહીં દઈએ. તેમણે આ ઝેરને વિકાસના અમૃતથી નિષ્ક્રિય કરવાનો અનુરોધ કર્યો હતો.
• વડા પ્રધાને ખેડૂતોની યુરિયા ખાતર અંગેની સમસ્યા સંદર્ભે કહ્યું હતું કે ખેડૂતોને જેટલું યુરિયા જોઈશે તેટલું આપવામાં આવશે. દેશના અન્નદાતાને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહીં.
• વડા પ્રધાને ૭૦ વર્ષ જૂના કૃષિ મંત્રાલયનું નામ બદલવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે આ મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તરીકે ઓળખાશે. આ મંત્રાલય કિસાન સંબંધિત કલ્યાણકારી યોજનાઓ સાકાર કરશે.


comments powered by Disqus