લંડનઃ બ્રિટનનું હાઉસ ઓફ લોર્ડસ બ્રિટિશ રાજકારણમાં સૌથી મહત્ત્વના નવા પ્રવાહોમાંનું એક તાજેતરની ચૂંટણીમાં જોવા મળેલ ભારતીય મતોની સંખ્યામાં વધારો અને તેના મહત્ત્વની ચર્ચા કરશે.
ભારતીય મૂળના ખ્યાતનામ રાજકીય વિચારક લોર્ડ ભીખુ પારેખ ૨૭ મેની પ્રથમ ચર્ચાનું અધ્યક્ષસ્થાન સંભાળશે અને ગુજરાત સમાચાર - એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, પીઢ પત્રકાર અને ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ આશિષ રાય તેમને સાથ આપશે. સામાન્ય ચૂંટણીના ઐતિહાસિક પરિણામો આઠમી મેએ જાહેર થયા બાદ નિષ્ણાતો માની રહ્યા છે કે, કન્ઝર્વેટિવ વિજય માટેના મુખ્ય કારણોમાં એક મહત્ત્વના ભારતીય મતો પણ હશે.
પેનાલિસ્ટોમાં બ્રિટિશ સરકારના વરિષ્ઠ નીતિ નિર્ણાયકો, ભારતીય મૂળના નવા ચૂંટાયેલા સાંસદો, એકેડેમિક્સ અને રાજકીય વિવેચકોનો સમાવેશ થશે.
લોર્ડ પારેખે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના કૌંતેય સિંહા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણીઓનો ઉપયોગ બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીમાં ઊંડા રાજકીય પ્રવાહોના દર્પણ તરીકે કરવા માંગીએ છીએ. કેટલા ભારતીયોએ મત આપ્યો તેમણે કોને મત આપ્યો આટલી મોટી સંખ્યામાં તેમણે મતદાન શાથી કર્યું અને પોતાના ઉમેદવારો પર નિર્ણય લેવા તરફ તેઓ કેવી રીતે આગળ વધ્યા તે સહિતના પ્રશ્નો અમે વિચારવા માંગીએ છીએ. યુકેમાં નોંધાયેલા મતદારોમાં ૬૬ ટકાએ મતદાન કર્યું હતું.’ તેમણે ઉમેર્યું હતું કે અમે બ્રિટિશ રાજકારણમાં ભારતીય સમુદાયના રાજકીય સંબંધો સમજવા માંગીએ છીએ.
સી. બી. પટેલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે તાજેતરની ચૂંટણીમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીમાં અમને રાજકારણમાં નવેસરથી રસ જાગૃત થયેલો જણાયો હતો.
કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ તેની નોંધ લીધી હતી અને ભારતીય મૂળના મતદારો સાથે સક્રિય સંવનન કર્યું હતું. અમે ચૂંટણી પરિણામો પછી બ્રિટનમાં વંશીય ભારતીય સમુદાયની ભાવિ ભૂમિકાની ચર્ચા કરીશું.’