તમામ નેતામાં મોદી વિશિષ્ટ, તેઓ કોઇ વૈચારિક માન્યતામાં ગૂંચવાયેલા નથીઃ પ્રો. ભગવતી

Tuesday 20th January 2015 10:32 EST
 
 

૮૦ વર્ષના અર્થશાસ્ત્રી પ્રો. ભગવતી પછી તરત ઉમેરે છે કે તેમને વારંવાર ઊંઘી જવાની આદત છે અને નરેન્દ્ર મોદી તેમના પ્રધાનો પાસેથી જેટલું કામ કરાવે છે તેટલા કલાક સુધી તેઓ કામ કરી શકે તેમ નથી.
પ્રો. ભગવતી માને છે કે એકાદ વર્ષમાં મોદી વિદેશી રોકાણકારો માટે મલ્ટિ-બ્રાન્ડ રિટેલના દરવાજા ખોલશે. તેમની સાથે મુલાકાતના અંશ અહીં પ્રસ્તુત છેઃ
• વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વિશે તમે શું માનો છો?
ભૂતકાળમાં હું (જર્મન ચાન્સેલર) એન્જેલા મર્કેલ, (બ્રિટનના વડા પ્રધાન) ડેવિડ કેમરન જેવા ટોચના નેતાઓ સહિત કેટલાય દેશોના પ્રમુખોને મળ્યો છું. ભારતના પણ તમામ વડા પ્રધાનો સાથે મેં મુલાકાત કરી છે, પરંતુ નરેન્દ્ર મોદી આ તમામ નેતાઓમાં વિશિષ્ટ છે. તેઓ કોઈ વૈચારિક માન્યતામાં ગૂંચવાયેલા નથી. તેમની પાસે નક્કર માહિતી છે.
• પરંતુ, ચોક્કસ વિચારધારાએ તેમનું ઘડતર કર્યું છે...
તેઓ અનુભવે ઘડાયા છે. પરંતુ તે અનુભવ એ કોઈ વિચારધારા નથી. તેમને વૃદ્ધિ માટેની નીતિઓમાં વધારે રસ છે. ૭ કે ૮ ટકાના સવાલો નબળી માનસિકતાવાળા લોકો માટે છે.
• કેટલાક લોકો માને છે કે સરકારને રઘુરામ રાજન્ (ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર) સાથે ફાવતું નથી
મને ખબર નથી. પરંતુ મારા મત પ્રમાણે તેઓ ઘણા સક્ષમ વ્યક્તિ છે. રઘુ કોર્પોરેટ ફાઇનાન્સના માણસ છે. તેઓ મેક્રો-ઈકોનોમિક્સ જાણે છે. તેઓ ક્યારેક ભૂલ કરે તો પણ તે બહુ મોટી સમસ્યા નથી. બીજી એક મહત્ત્વની વાત કહું. આજે નાણાં પ્રધાન જેટલીના ઘરે લંચ વખતે મેં આ ચર્ચા કરી તે વખતે કહ્યું કે બજેટ અપેક્ષા પ્રમાણે ન હોય તો પણ તેનું કોઈ મહત્ત્વ નથી. જે લોકો જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેન્લીમાં નોકરી કરે છે અને અર્થતંત્રોની આગાહી કરવાનો પગાર લે છે, તેઓ જો એવી સલાહ આપશે કે ભારતનું બજેટ યોગ્ય ન હોવાથી ત્યાં રોકાણ ન કરશો, તો આ લોકોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે. બજેટ અપેક્ષા મુજબ નહીં હોય તો પણ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાની શક્યતા નથી.
નીતિ આયોગના નવનિયુક્ત ઉપાધ્યક્ષ પ્રો. પનાગરિયાને શું સલાહ આપશો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું તમને મેક્રો-ઇકોનોમી વિશે કોઈ સલાહ નહીં આપું કારણ કે હું કોઈ મત આપી શકું તેટલી જાણકારી ધરાવતો નથી. મને લાગે છે કે તેઓ અને રઘુરામ રાજન્ સ્થિતિ સુધારી શકશે. રઘુરામ રાજને જે કર્યું તે મેં પણ કર્યું હોત.
(સૌજન્યઃ ‘ઇકોનોમિક ટાઇમ્સ’)


comments powered by Disqus