નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી ગૌમાંસ ખાવાની અફવા બાદ મુસ્લિમ વ્યક્તિ અખલાકની હત્યા બાદ આ મુદ્દે અન્ય એક બનાવ બન્યો હતો. જેમાં ૧૦ ઓક્ટોબરના રોજ ધોરીમાર્ગ પર ટ્રકમાં ગૌમાંસ હોવાની અફવાથી કરાયેલા પેટ્રોલબોમ્બ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા ટ્રક કંડક્ટર ઝાહિદ અહમદનું ૧૮મી ઓક્ટોબરે દિલ્હીની હોસ્પિટલમાં મોત થયું હતું. તેના મોતના પગલે અલગતાવાદી નેતાઓએ ૧૯મી ઓક્ટોબરે આપેલું કાશ્મીર બંધનું એલાન હિંસક બન્યું હતું.
કાશ્મીર ખીણમાં ચુસ્ત સુરક્ષાવ્યવસ્થામાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બાતેનગુ ગામ ખાતે ઝાહિદની દફનવિધિ બાદ ખીણવિસ્તારમાં તોફાનો થયાં હતાં. અલગતાવાદીઓના બંધના એલાનના પગલે સત્તાવાળાઓએ આઠ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવા છતાં સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે ઠેર ઠેર અથડામણો સર્જાઇ હતી. આ ઉપરાંત ગૌમાંસ અંગે ચાલી રહેલા વિવાદોની વચ્ચે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે, મુસલમાનોએ જો દેશમાં રહેવું હશે તો ગૌમાંસ ખાવાનું છોડવું પડશે ત્યારે ભાજપપ્રમુખ અમિત શાહે ગૌમાંસ અને દાદરીકાંડ મુદ્દે ભાજપના નેતાઓને ઉશ્કેરણીજનક ભાષણો બંધ કરવાની ચેતવણી આપી હતી. તો આ મુદ્દે જ ૧૯મી ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં બિફ પાર્ટી ફેમ જમ્મુ - કાશ્મીરના વિધાનસભ્ય એન્જિનિયર રશીદ પર શાહી ફેંકવામાં આવી હતી.
ગૌમાંસ અંગે ચાલી રહેલા હોબાળાની વચ્ચે ૧૭મી લખનૌમાં ગોમાંસ ન ખાવાની અપીલ કરતાં કાઉ મિલ્ક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હાજર રહેલા મુસલમાનોએ ગાયનું દૂધ પીધું હતું અને લોકોને વહેંચ્યું પણ હતું.
દરમિયાન ગૌમાંસ અને દાદરીકાંડના મામલે ભાજપના અમુક નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજી દર્શાવી છે, એવા સમયે આરએસએસના મુખપત્ર પંચજન્યમાં પોતાના ઘરમાં ગાયનું માંસ ખાવાના મુદ્દે મોહમ્મદ અખલાકની હત્યાને વાજબી ઠરાવી હોવાના હેવાલ છે.