જુનાગઢઃ વિશ્વભરના વન્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ગીર અભયારણ્યના દરવાજા શુક્રવારે ૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલી નાંખવામા આવ્યા છે.
ચોમસાના ચાર મહિનાના લાંબા વેકેશન બાદ ફરી વખત સિંહદર્શન શરૂ થઈ રહ્યાં હોઈ પ્રવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. મળતી વિગતો અનુસાર સિંહોના સંવનનથી નવા જન્મેલા ૧૦૦થી વધુ સિંહબાળ ટુરિસ્ટ ઝોનમાં પ્રવાસીઓનું સ્વાગત કરશે. આ સિંહબાળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગીર અભયારણ્યનું વેકેશન પૂરું થઈ રહ્યું હોઈ ઓનલાઈન પરમીટ તો અત્યારથી જ હાઉસફુલ થઈ ચૂકી છે. જ્યારે સ્થળ ઉપર જ પરમિટ મેળવવા માટે શરૂઆતના સમયમાં પ્રવાસીઓની રીતસર લાઈનો લાગશે.
સિંહોને મારવાની ધમકી સામે કાર્યવાહીની માગ
ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરનારા ખાંભા-ધારી બગસરાના ધારાસભ્ય નલિન કોટડિયાએ તાલાળામાં હજારોની હાજરીમાં કહ્યું કે, લોકોની આજિવિકા છિનવાશે તો સિંહોને મારી નાંખવામાં આવશે. આ નિવેદનના પગલે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ રાજ્યપાલને પત્ર પાઠવી કોટડિયા સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે