સુરતઃ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન આદિવાસી યુવાનો સ્ત્રીવેશમાં માતાજીના ગરબા (ઘેર) રમવા જાય એવી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. બાવળના જાડા દાંડિયા સાથે આદિવાસી ભાષામાં માતાજીના ગરબા - ઘેર રમવાની પરંપરા લુપ્ત થવાના આરે આવીને ઊભી રહી છે તેથી આ પ્રથાને જીવંત રાખવા માટે આદિવાસી વિસ્તારના કેટલાક ગ્રુપ દ્વારા આ પરંપરાના નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે.
આ ગરબામાં મોઢે મેશ ચોપડીને બિહામણા બનેલા તડવૈયાનું પાત્ર ઘણું મહત્ત્વનું હોય છે, જોકે યુવાન કલાકારો હવે પોતાના ચહેરા પર મેશ લગાવવા માટે રાજી નથી તેથી ઘેરૈયાઓ હવે વિવિધ માસ્કનો ઉપયોગ કરતા થયા છે.
છેલ્લી કેટલીક નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતના ગામડાંઓમાં ૫૦થી ૬૦ ઘેરૈયાના ગ્રુપ નવરાત્રિમાં દેખાતા હતા. માતાજીની આરાધના કરવા સાથે સાથે તેઓ ગામમાં ઘૂમે અને પૈસા નહીં, પણ અનાજ તથા અન્ય વસ્તુઓ લઈને પોતાની જીવન જરૂરિયાત પૂરી કરે. જોકે છેલ્લા કેટલાક સમયથી આદિવાસી યુવાનોને પણ ઘેરૈયાની પરંપરામાં વધુ રસ રહ્યો નથી તેથી ઘેરૈયાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે એટલે આ પ્રથામાં આદિવાસી જૂથોએ બાંધછોડ કરીને તેમાં આધુનિકતાનો ઉમેરો કરવાનું નક્કી કર્યું અને આદિવાસી યુવાનો હવે વિવિધ મહોરાં પહેરીને ઘેર રમે છે.
વર્ષોથી ચાલી આવતી ઘેરૈયાની પ્રથા સાથે અનેક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. જેમાંની એક માન્યતા એવી છે કે ઘેરૈયાઓના ગરબામાંથી મૃતકના આત્માને શાંતિ મળે છે. ગામડામાંથી સુરત આવીને વસેલા અનેક વડીલો આજે પણ કહે છે કે ઘેર રમાડવી ઘર માટે શુકનની વાત છે.
જેને ત્યાં ઘેર રમાડવામાં આવે છે તેને ત્યાં માતાજી સુખ શાંતિ આપે છે. આ ઉપરાંત જેના ઘરમાં મૃત્યુનો બનાવ બન્યો હોય તેના ઘરે ઘેરૈયા ઘેર રમે તો મૃતકના આત્માને શાંતિ મળે છે. આવી માન્યતા હોવાના કારણે જેને ત્યાં મૃત્યુ થયું હોય તેને ત્યાં ઘેર રમાડવાની પ્રથા આજે પણ જોવા મળી રહી છે.