રાજકોટઃ શહેરમાં સાઉથ આફ્રિકાની ૧૮મી ઓક્ટોબરે રમાયેલી મેચમાં વિરોધ કરવાની જાહેરાત કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તેના કાફલા સાથે મેચમાં પહોંચે તે પૂર્વે જ ન્યારા ગામ પાસે ચેકિંગમાં કારમાં ખેડૂતના વેશમાં તેને તેના બે સાથીદારોને સાથે ઓળખીને તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મેચ બાદ પણ તેને મુક્ત કરાયો ન હતો તો મેચ દરમિયાન તે કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે કરાયેલી હાર્દિક પટેલની અટકાયત બાદ તેણે કાર પર ચડીને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને ધ્વજનો લાકડીની જેમ ઉપયોગ કરીને લોકોને બાજુએ હડસેલ્યા હતા.
આ મુદ્દે અટકાયતમાં રહેલા હાર્દિક સામે પડધરી પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો દાખલ કર્યો હતો. આ સાથે સુરત પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યોે હતો.
દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ અને ડીસીપી મકરંદ ચૌહાણ ખુદ ફરિયાદી બન્યા હતા. ફરિયાદ મુજબ હાર્દિકે ૩જી ઓક્ટોબરે વિપુલ દેસાઈના નામના યુવકના ઘરે જઈને તેને સલાહ આપી હતી કે તે બે-ત્રણ પોલીસવાળાને મારી નાંખે.
વિપુલે પોલીસ પાસેથી અનામતની માગણી સાથે આત્મહત્યા કરવાની પરવાનગી માંગી હતી, પરંતુ હાર્દિક પટેલે તેના ઘરે જઈને તેને શિખામણ આપી હતી કે તે મરવાને બદલે તે બે-ત્રણ પોલીસવાળાને મારી નાંખે. આ બધા વચ્ચે ૨૦મી ઓક્ટોબરે હાર્દિક રાષ્ટ્રદોહના ગુના સબબ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવ્યો.