મેંગો નહીં, પ્લેંગોની મજા માણો

Wednesday 22nd April 2015 06:30 EDT
 
 

લંડનઃ મીઠીમધુરી મેંગો અને ખટમીઠ્ઠા પ્લમની મિક્સ બ્રિડ વિકસાવવામાં આવે તો શું મળે? જવાબ છે - પ્લેંગો. કૃષિ તજજ્ઞોએ કેરી અને આલૂની જાતને ભેગાં કરીને કેરીની એક નવી વર્ણસંકર જાતિ વિકસાવીને તેને પ્લેંગો નામ આપ્યું છે.
અગ્રણી રિટેલર કંપની માર્ક્સ એન્ડ સ્પેન્સર (એમએન્ડએસ)એ થાઇલેન્ડમાં કેરીનું ઉત્પાદન કરતા કેટલાક તજજ્ઞો સાથે મળીને વર્ષોની મહેનત બાદ આ વર્ણસંકર જાતિ વિકસાવી છે. હાલ યુકેમાં ધૂમ વેચાઇ રહેલી પ્લેંગો નારંગી રંગની છે અને તેની છાલ આલૂ કરતાં વધુ સખત છે, જ્યારે તેનો સ્વાદ ઓરિજિનલ કેરી જેવો જ છે. વળી, આ કેરીને કેરીને ખાવા માટે કોઈ ખાસ જહેમત ઉઠાવવી પડે એમ નથી, કારણ કે, તેને છાલ સાથે જ સીધી ખાઈ શકાય છે. આ કેરી આકારમાં ઓરિજિનલ કરતાં થોડી નાની છે.
એમએન્ડએસના તજજ્ઞ શાઝાદ રહેમાન જણાવે છે કે, 'અમારા ગ્રાહકો હંમેશાં નવાં નવાં ફ્રૂટ ખાવાનું પસંદ કરે છે અને અમને આશા છે કે, સહુ કોઇને કેરીની આ નવી જાતિ પણ ભાવશે.'
ઉલ્લેખનીય છે કે બજારમાં હાઇબ્રિડ ફ્રૂટમાં માત્ર પ્લેંગો જ મળે છે એવું નથી. આ અગાઉ કૃષિ સંશોધકો લીંબુ અને સંતરાને ક્રોસબ્રિડ કરીને મેયર લેમન નામની નવી જાતિ વિકસાવી ચૂક્યા છે. આ લીંબુની ખાસિયત એ છે કે, તે સ્વાદમાં ખાટાં નહીં, પરંતુ ગળ્યાં છે. અને તેની છાલ પણ સુગંધી છે.


comments powered by Disqus