લંડનઃ ડિજિટલ એન્ટ્રેપ્રિન્યોર અને STEM ઈવેન્જલિસ્ટ લોપા પટેલ-એમબીઇને એન્ટરપ્રાઈઝ પ્રમોશન માટે ક્વીન્સ એવોર્ડ જાહેર કરાયો છે. આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ એશિયન મહિલા છે.
આ સન્માન જાહેર થયા બાદ લોપા પટેલે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ‘ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ પ્રમોશન મેળવવો તે ઘણું મોટું સન્માન છે. આ એવોર્ડ હાંસલ કરનાર પ્રથમ એશિયન મહિલા બનવાનું મને વિશેષ ગૌરવ છે. બિઝનેસ વિશ્વમાં વૈવિધ્યતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા બદલ હું વિશેષ ઉત્કટ લાગણી અનુભવું છું. આ સન્માન મને બિઝનેસમાં વૈવિધ્યતાનું સમર્થન ચાલુ રાખવા માટે તેમ જ ઈન્ડસ્ટ્રીમાં વિશાળ પાયા પર ટેકનોલોજીકલ કૌશલ્યની પહેલ માટે જરૂરી મંચ પૂરો પાડશે તેવી મને આશા છે’.
ધ ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ પ્રમોશનની સ્થાપના ૨૦૦૪માં થઈ છે અને તેના દ્વારા સાહસિક કૌશલ્યને પ્રોત્સાહન તથા ઉદ્યોગસાહસિકોને સમર્થન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા લોકોને બિરદાવવામાં આવે છે. દર વર્ષે ભાવિ પેઢીને સ્વૈચ્છિકપણે પોતાના કૌશલ્ય અને અનુભવોનો લાભ આપનારી તેમ જ ઉદ્યોગસાહસિકોની ભાવિ પેઢીના શિક્ષણ અને વિકાસમાં સક્રિયપણે સંકળાયેલી વ્યક્તિઓ તરીકે ૧૦ લોકો આ એવોર્ડ મેળવે છે.
પ્રથમ એશિયન મહિલા એવોર્ડવિજેતા તરીકે આજની ક્ષણ ઉદ્યોગસાહસિક તરીકે એશિયન સ્ત્રીઓની કદરમાં ચાવીરૂપ પળ છે. લાંબા સમયથી લઘુ અને મધ્યમ વેપાર એકમો (SME)ના સર્જન અને સંચાલનમાં એશિયન સ્ત્રીઓની મજબૂત ઉપસ્થિતિ છે, પરંતુ યુકેમાં ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રમાં તેમના પ્રદાનની પૂરતી નોંધ લેવાઈ નથી.
બિઝનેસ અને સર્જનાત્મક ઈન્ડસ્ટ્રીઝમાં વૈવિધ્યતા અને ઉદ્યોગસાહસિકતાના દીર્ઘકાલીન હિમાયતી તરીકે લાંબી કારકિર્દી પછી તેમને આ એવોર્ડ મળ્યો છે. આ માટે તેમને ૨૦૦૯માં MBEની નવાજેશ કરાઈ હતી.
લોપા પટેલે ઈક્વાલિટી અને ડાઈવર્સિટી થિન્ક ટેન્ક ‘ડાઈવર્સિટી યુકે’ની પણ સ્થાપના કરી છે જેના તેઓ સીઈઓ છે. તેઓ એથનિક માઈનોરિટી બિઝનેસ ગ્રૂપ (EMBG)ના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાં સાથે શૈક્ષણિક ચેરિટી સંસ્થા રાહા ઈન્ટરનેશનલના ટ્રસ્ટી પણ છે. તેઓ STEMNET માટે ટેકનોલોજી એમ્બેસેડર છે અને છોકરીઓને સાયન્સ ક્ષેત્રે કારકિર્દીઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બને છે. ‘વિમેન ઈન સાયન્ટિફિક કેરિઅર્સ’ અંગે ૨૦૧૪ના પાર્લામેન્ટરી રિપોર્ટ અનુસાર આ ક્ષેત્રના વર્કફોર્સમાં માત્ર ૧૩ ટકા જ સ્ત્રીઓ છે.
સમગ્ર યુકેમાં કૌશલ્ય અને સાહસવૃત્તિને ઉત્તેજનને સમર્પિત નોંધપાત્ર કારકિર્દી પછી લોપા પટેલને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે પોતાના ક્ષેત્રમાં પ્રેરણામૂર્તિ તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. તેમણે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે, નવા સાહસોમાં માર્ગદર્શન આપ્યું છે તેમ જ બિઝનેસ નેટવર્ક્સ અને સહાયક કાર્યક્રમોની પ્રવૃત્તિઓને દિશા આપી છે. લોપા પટેલ ફેલો ઓફ ધ ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ માર્કેટિંગ તરીકે ચૂંટાયેલા પ્રથમ એશિયન મહિલા હોવા ઉપરાંત, ફેલો ઓફ ધ RSA, ધ રોયલ સોસાયટી ફોર ધ એન્કરેજમેન્ટ ઓફ આર્ટ્સ, મેન્યુફેક્ચરર્સ એન્ડ કોમર્સના પણ ફેલો છે.

