એનએચએસ સાથે ૭.૮૦ લાખ પાઉન્ડની છેતરપિંડીઃ ડો. જયંતીલાલ મિસ્ત્રીને ત્રણ વર્ષની કેદ

Wednesday 23rd December 2015 06:14 EST
 
 

લંડનઃ હજારો દર્દીઓના નામે છેતરપિંડી આચરીને એનએચએસના ૭.૮૦ લાખ પાઉન્ડ ઓળવી જનાર ૬૭ વર્ષના ડો. જયંતીલાલ ભીખાભાઇ મિસ્ત્રીને બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટે ત્રણ વર્ષની કેદ ફરમાવી છે. લંડનના વિલ્સડેન ગ્રીનના રેન એવેન્યુમાં રહેતા ડો. મિસ્ત્રીએ એનએચએસના કુલ ૭,૮૦,૨૬૮ પાઉન્ડ ઓળવી ગયા હતા. આમાંથી આજ સુધીમાં ૭,૭૫,૦૦૦ પાઉન્ડની રકમ રિકવર કરવામાં આવી છે. આ ઉપરાંત મિસ્ત્રીએ કેસના તપાસ ખર્ચ પેટે ૫૦,૦૦૦ પાઉન્ડ પણ ચૂકવવાના રહેશે. મિસ્ત્રીને આ અગાઉ બનાવટી એકાઉન્ટ્સ, છેતરપિંડીના વિવિધ ગુના સબબ દોષિત ઠરાવવામાં આવ્યા હતા. જજે મિસ્ત્રીના કેસને ‘વિશાળ સ્તરે છેતરપિંડીનો કિસ્સો’ ગણાવ્યો હતો.
મિસ્ત્રી નોર્થ લંડનના કેન્ટીશ ટાઉનમાં પ્રેક્ટિશ કરતા હતા. તેમણે ૧૯૯૭થી ૨૦૧૩ દરમિયાન તેમણે ૩૩૬૦ દર્દીઓની સારવાર કરી હોવાનો દાવો કર્યો હતો. આમાંથી કેટલાક નામો સાચા હતા જ્યારે બાકીના બનાવટી નામો હતા. મિસ્ત્રીના નિવાસસ્થાનની તપાસ દરમિયાન અધિકારીઓને ડેન્ટલ રેકોર્ડ ફ્રૂટ ક્રેટ અને સેઇન્સબરીની શોપિંગ બેગમાં રખાયેલા મળ્યા હતા.
એનએચએસ પ્રોટેક્ટ્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે મિસ્ત્રીના દર્દીઓમાંથી લગભગ ૯૦ ટકાનો કોઇ અતોપતો મળ્યો નહોતો. મિસ્ત્રીએ આપેલા નામોમાંથી ૩૦૦ દર્દીઓનું તો અસ્તિત્વ જ નહોતું. ડઝનબંધ દર્દીઓના નામ એવા સરનામા પર નોંધાયેલા હતા, જ્યાં તેઓ ક્યારેય રહેતા જ નહોતા. એનએચએસ પ્રોટેક્ટના મેનેજિંગ ડિરેક્ટર સુસાન ફ્રીથના જણાવ્યા અનુસાર, અન્ય ડેન્ટીસ્ટની જેમ જયંતીલાલ મિસ્ત્રી પર પણ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, પણ તેમણે એક પછી એક છેતરપિંડી આચરીને આ ભરોસાનો ગેરલાભ ઉઠાવ્યો હતો.’


comments powered by Disqus