આણંદ: તાલુકાના બાંધણી ગામના વતની અને છેલ્લા લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા કિંજલ કૌશિકભાઇ પટેલ નામના યુવકનું ૧૮ ડિસેમ્બરે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું હતું. વતનમાં આ ગમખ્વાર ઘટનાના સમાચાર મળતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સદગત્ કિંજલના બાંધણી ખાતે રહેતા પિતરાઇ ભાઇ સમીરભાઇએ જણાવ્યું હતું કે ૩૪ વર્ષનો કિંજલ કૌશિકભાઇ પટેલ ૧૨ વર્ષ અગાઉ અમેરિકાના એટલાન્ટામાં સ્થાયી થયો હતો. પાંચ વર્ષ અગાઉ તેના તન્વી સાથે લગ્ન થયા હતાં અને તેમને સંતાનમાં બે બાળકો પણ છે. થોડાક સમય પૂર્વે મિશિગનમાં જોબ મળતાં કિંજલ પરિવાર સાથે મકુમ્બામાં સ્થાયી થયો હતો અને કાકા હરિશભાઇ પટેલ સાથે રહેતો હતો.
ગત શુક્રવાર, ૧૮ ડિસેમ્બરના રોજ કિંજલ તેના પિતરાઇ ભાઇની ગાડી લઇને મોડી રાત્રે જોબ પર જતો હતો ત્યારે મકુમ્બા સિટીના લેનોક્સ ટાઉનશીપના ૨૬ માઇલ રોડ પર અકસ્માત સર્જાયો હતો. સામેથી પૂરઝડપે કાર લઇને આવી રહેલી મહિલાએ કિંજલની કારને જોરદાર ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. કિંજલ પટેલનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેની પત્ની અને બે માસુમ બાળકો નોંધારા બન્યાં છે.

