શ્યામજી કૃષ્ણવર્મા શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેના સાધક હતા

Wednesday 23rd December 2015 05:37 EST
 
 

ભુજઃ સન ૧૮૫૭ના વિપ્લવકાળમાં કચ્છના માંડવીમાં જન્મેલા શ્યામજી કૃષ્ણવર્મા શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેના સાધક હતા અને તેમની નોંધ લઈ તેમને કાશીના પંડિતની ઉપાધિ આપવાની ફરજ પડી હતી એવું વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. ગયા મહિને વડા પ્રધાનની બ્રિટનની મુલાકાત ટાંકણે કેમરન સરકારે સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા પંડિત શ્યામજી કૃષ્ણવર્માની બેરિસ્ટરની પદવીને પુનઃ માન્ય કરીને ભારત સરકારને સુપરત કરી હતી. વડા પ્રધાને આ પદવી ગુજરાત સરકાર માટે અને ખાસ કરીને માંડવીના ક્રાંતિતીર્થમાં મૂકવા માટે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને અર્પણ કરી હતી.
વડા પ્રધાને કહ્યું કે, આંદામાન નિકોબારમાં જઈને જોઈએ તો ખબર પડે કે કાળાં પાણીની સજા ભોગવનારા લડવૈયાઓની યાદી બહુ જ લાંબી છે. શ્યામજી કચ્છનું સંતાન હતા. સ્વપુરુષાર્થથી જીવનને કેમ ઊંચે લઈ જવું તે તેમનામાંથી પ્રેરણા લેવા જેવું છે. મુખ્યત્વે તેઓ સરસ્વતીના સાધક હતા. કાશી એટલે કે બનારસમાં પંડિતની પદવી માત્ર બ્રાહ્મણોને અપાતી હતી તેવા સમયમાં શ્યામજીના સંસ્કૃત સહિતના જ્ઞાનને લીધે અ-બ્રાહ્મણ હોવા છતાં પંડિત તરીકેની ઉપાધિ તેમને અપાઈ હતી. પંડિત શ્યામજી સરસ્વતીના આમ સાધક હતા તો આઝાદીના સંગ્રામના શસ્ત્રના સાધક પણ હતા.
શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ બાદ પદવી માંડવી ખાતેના મ્યુઝિયમમાં મૂકાશે. ગાંધીજી અને શ્યામજી - બન્નેની સનદને પુનઃ માન્યતા મળી છે. બન્ને ગુજરાતી છે. ગાંધીજીની સનદ ૧૯૮૮માં પરત આવી હતી, પણ શ્યામજીની સનદ લાવનારું કોઈ જણાતું નહોતું. બન્નેના પુણ્યસ્મરણ, પરાક્રમ અને પુરુષાર્થ જીવનમાં રાષ્ટ્ર માટે કંઈક કરવાની પ્રેરણા આપતા રહ્યા છે એમ કહી વડા પ્રધાને ઉમેર્યું હતું કે, ગાંધીજી અને શ્યામજીની સનદ પરત લાવવી એ અંગ્રેજોનું અપમાન છે અને ભારતનું બહુમાન છે.

‘કી આયો ભા-ભેણું’
વડા પ્રધાન મોદીએ ધોરડો જતાં પહેલાં ભુજના એરફોર્સ સ્ટેશનમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું. આ ગરિમાપૂર્ણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ મિનિટ વક્તવ્ય આપ્યું હતું. વક્તવ્યના પ્રારંભે જ મોદીએ પ્રથમ ‘કી આયો ભા-ભેણું’ બોલીને કચ્છીમાડુઓ સાથે આત્મીયતાના દર્શન કરાવ્યા હતા. તેમણે સમગ્ર વક્તવ્ય ગુજરાતીમાં આપ્યું હતું. મુખ્ય પ્રધાન હતા ત્યારે હિન્દીમાં ભાષણ આપતાં હતાં, પરંતુ વડા પ્રધાન પ્રથમવાર ભુજ આવેલા મોદીએ ગુજરાતીમાં ઉદબોધન આપ્યું હતું.


comments powered by Disqus