નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા જારી થયેલા તમામ હસ્તલિખિત પાસપોર્ટ મંગળવારથી ભૂતકાળ બની ગયા છે. વિશ્વમાં આતંકવાદ સહિત અનેક સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને હવેથી બાર કોડ ધરાવતા ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ જ તમામ દેશોમાં સ્વીકાર કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ)ના નિયમો અનુસાર, ૨૪ નવેમ્બર, ૨૦૧૫થી કોઇ પણ નાગરિક હસ્તલિખિત (નોન-મશીન રિડેબલ) પાસપોર્ટ વેલિડ ગણાશે નહીં. કોઇ વ્યક્તિ આવા પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકે કે કોઇ દેશ આ પાસપોર્ટ પર વીઝા પણ ઇશ્યુ કરશે નહીં. આ પાસપોર્ટને આપોઆપ જ રદ થયેલા માની લેવામાં આવશે. આઇસીએઓએ તેનું સભ્યપદ ધરાવતા તમામ દેશો માટે આ નિયમ લાગુ કર્યો છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
પાસપોર્ટ સેવા વિભાગે ૨૦૦૨ પૂર્વે હસ્તલિખિત પાસપોર્ટ તૈયાર કર્યા હતા. આ પાસપોર્ટ ૨૦ વર્ષ માટે ઇસ્યુ કરાતા હતા. આ પછી પાસપોર્ટ કમ્પ્યુટરથી બનવા લાગ્યા જે જાન્યુઆરી ૨૦૧૨માં ઓનલાઇન કરી દેવામાં આવ્યા. આ પછી તમામ પાસપોર્ટ બાર કોડ સાથે બની રહ્યા છે.
પાસપોર્ટ સેવા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગેનો આદેશ લાંબા સમય પૂર્વે જ જારી થઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક સુરક્ષા માપદંડ નક્કી થયા છે. જેના ભાગરૂપે બાર કોડ ધરાવતો ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આમ હવે હસ્તલિખિત પાસપોર્ટ ધરાવતી વ્યક્તિએ નવેસરથી ઓનલાઇન પ્રોસેસ દ્વારા નવો પાસપોર્ટ ઇશ્યુ કરાવવો પડશે.