સદ્ગતના પાર્થિવદેહને રાજકોટથી ચાર્ટરપ્લેનમાં મહારાષ્ટ્રના નાગપુર લઇ જવાયો હતો. હરિરામબાપા અમરેલીમાં યોજાયેલ કથાના આયોજનમાં ગયા હતા. ત્યાં જાગનાથ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યારે બીજી પ્રદિક્ષણા વખતે હાર્ટએટેક આવી જતા તેમનું નિધન થયું હતું. બાપાનો પાર્થિવ દેહ અમરેલીથી જસદણ ખાતે ભાવિકોના દર્શન માટે જલારામ બાપાના મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. હરિરામ બાપાનો પરિવાર નાગપુર ખાતે રહે છે. તેથી તેમને પરિવાર નાગપુર લઇ જવાનું નક્કી થતાં સ્થાનિક ભક્તોએવિરોધ કરી જસદણમાં જ વિધિ કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેનાથી એક તબક્કે વિવાદ પણ સર્જાયો હતો. છેવટે પાર્થિવ દેહને નાગપુર લઈ જવાયો હતો.
• પીઢ પત્રકાર દિનેશભાઈ રાજાનું અવસાનઃ ફૂલછાબ અખબારના પૂર્વ તંત્રી અને દિવ્ય ભાસ્કર અખબારના સલાહકાર તરીકે સેવા આપનાર વરિષ્ઠ પત્રકાર દિનેશ રાજાનું ૨૬ ડિસેમ્બરે અવસાન થયું છે. તેમણે પાંચ દાયકાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ ૧૯૫૬માં તાલીમ પત્રકાર તરીકે કર્યો હતો. ૧૯૯૮-૯૯માં ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ તંત્રીલેખ માટે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
• લંડનના ગ્રૂપ દ્વારા કેરામાં વિકલાંગ રમતોત્સવ યોજાયોઃ લંડનના ફ્રેન્ડ્સ ઓફ કેરા ગ્રૂપ દ્વારા કેરા ગામે કચ્છના વિકલાંગ બાળકો માટે ૧૦મા વર્ષે રમતોત્સવનું આયોજન કર્યું હતું. લંડનથી ભંડોળ એકત્ર કરીને વતનમાં રમતોત્સવનું આયોજન કિશોરભાઈ નારદાણી, ઘનશ્યામભાઈ નારદાણી અને અરવિંદ હાલાઈ દ્વારા થયું હતું. જેમાં માધપરના નવચેતન અંધજન મંડળે સહયોગ આપ્યો હતો. નવચેતનના સહમંત્રી હિમાંશુ સોમપુરાએ જણાવ્યું હતું કે, આ વિકલાંગ રમતોત્સવમાં ૧૩૩૭ છોકરાએ ભાગ લીધો હતો.
• વીવીપી એન્જિ. કોલેજને દેશની શ્રેષ્ઠ કોલેજનો એવોર્ડઃ રાજકોટની વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજને ત્રિવેન્દ્રમ ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ માટે દેશની શ્રેષ્ઠ કોલેજનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઇ મણીયારે જણાવ્યું હતું કે, વી.વી.પી. કોલેજનું એકેડમિક પરફોર્મન્સ, કો-કરીક્યુલર એક્ટિવિટીઝ અને રીસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરકેશન જેવી મુખ્ય વિશેષતા છે. આ કોલેજ પરિણામમાં શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીઓને નોકરીઓ અપાવવામાં પણ કોલેજનું યોગદાન છે. સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝ અદ્યત્તન ગ્રંથાલયમાં ૪૦,૫૦૦ પુસ્તકો છે. વિશાળ ઓડિટોરિયમ, ધ્યાન કેન્દ્ર, લેબોરેટરી અને રમતનાં મેદાનો ધરાવે છે. વિદ્યાર્થીઓને સબસીડીવાળા લેપટોપ અને વાલી-વિદ્યાર્થીનો કોલેજની ફીમાં વીમો પણ આપવાની જોગવાઈ છે.