લંડનઃ બેંક ઓફ ઈંગ્લેન્ડ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અને આ કટોકટીનો સામનો કરવા તેને નવી ચલણી નોટો છાપવી પડે એમ છે એવું કોઇ કહે તો માન્યામાં ન આવે ખરુંને? પરંતુ આ વાત સાચી છે... જરા અલગ પ્રકારે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડની ‘નાણાકીય કટોકટી’નું પ્રજાજનોની ચલણી નોટોની સંગ્રહાખોરી. એક અંદાજ પ્રમાણે બ્રિટિશ પ્રજાએ આશરે ત્રણ બિલિયન પાઉન્ડ (ભારતીય ચલણમાં ગણો તો આશરે ૩૦૦ બિલિયન રૂપિયા)ની અધધધ રોકડ ઘરમાં જ છુપાવી રાખી છે. બ્રિટિશ પ્રજાજનો ચલણી નોટોનો સંગ્રહ કરવામાં પાવરધા છે અને મોટા ભાગે તેઓ સોફા અથવા તો ગાદલામાં ચલણી નોટો છૂપાવી રાખે છે.
આ જાણકારી તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળી છે. નિષ્ણાતો કહે છે કે સરેરાશ ઘરમાલિક અંદાજે ૩૪૫ નોટો સંગ્રહી રાખે છે. આના કારણે અત્યારે સ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને આવી છુપાવેલી નોટોને વ્યવહારમાં લાવવા માટે ઘરમાંથી બહાર કઢાવવી પડે એમ છે. બેન્કના જણાવ્યા પ્રમાણે દર છમાંથી એક બ્રિટિશ નાગરિક પોતાના ઘરમાં આ રીતે ચલણી નોટો છુપાવી રાખે છે.
રસપ્રદ બાબત તો એ છે કે એપલ પે જેવા લોકપ્રિય ઈલેક્ટ્રોનિક પેમેન્ટ વિકલ્પો વધ્યાં હોવા છતાં પણ ઘરોમાં રોકડ રાખી મૂકવાની પ્રવૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કમાં ડિપોઝીટ પર આકર્ષક વ્યાજ ન મળતું હોવાથી અને બેન્કો ખોટના ખાડામાં ઉતરી રહી હોવાથી લોકો આ રીતે પોતાના ઘરોમાં રોકડ રકમ છૂપાવીને રાખવાનું પસંદ કરે છે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના જણાવ્યા પ્રમાણે, ‘આવી પ્રવૃતિઓને રેશનલ ગણવી જોઈએ, લોકો માનસિક શાંતિ માટે ઘરમાં રોકડ રાખી મુકવાનું વધુ પસંદ કરે છે કેમ કે તેઓ બેંકમાં ડિપોઝીટ કરે તેના કરતા રોકડનો લાભ તેમને વધુ મળે એવી સ્થિતિ પ્રવર્તે છે.’
લંડન સ્કુલના રિચાર્ડ જોલી કહે છે, ‘માનવી આર્થિક નુકસાનને ધિક્કારે છે, પરંતુ ઘરમાં રોકડા નાણાં રાખી મુકવા એ તો અયોગ્ય છે અને જોખમ પણ વધારે છે.’ જોલીના કહેવા પ્રમાણે રોકડ આર્થિક વ્યવહારમાં સામેલ ન થાય તો અર્થતંત્રને માઠી અસર થાય છે અને તેનાથી આખરે તો લોકોને જ નુકસાન થતું હોય છે.

