લંડનઃ મહાનગરના બિઝનેસ-એરિયા કેનેરી વ્હાર્ફ ખાતે શનિવારે આઠ હજારથી પણ વધુ લોકો ટિકિટો ખરીદીને એક મોન્સ્ટર કારની ઝલક જોવા માટે પડાપડી કરી હતી. આ સુપરસોનિક કાર એટલે બ્લડહાઉન્ડ SSC.
આ સુપરસોનિક કારમાં જેટ રોકેટ એન્જિન બેસાડવામાં આવ્યા છે, એ ૧.૩૫ લાખ હોર્સપાવરનો કલ્પનાતીત પાવરથ્રસ્ટ પેદા કરે છે. આ તાકાતની સરખામણી કરવી હોય તો બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આટલો પાવરથ્રસ્ટ પેદા કરવા એક સાથે નવ ફોર્મ્યુલાવન કારને ફૂલ કેપેસિટી પર કામે લગાડવી પડે.
૪૪ ફીટ લાંબી અને રોકેટ જેવી દેખાતી બ્લડહાઉન્ડ SSC કારમાં રોલ્સ રોયસ અને જેગ્વારનાં એન્જિન ફિટ કરવામાં આવ્યાં છે. અત્યારે બ્રિસ્ટલમાં સજજ થઈ રહેલી આ કાર આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં ૧૬૧૦ કિલોમીટરના સ્પીડે દોડીને વિશ્વના સૌથી ઝડપી અને પાવરફુલ વ્હિકલનો વિશ્વ વિક્રમ નોંધાવશે. ખરા અર્થમાં રોકેટઝડપે દોડતી આ કાર આ રસ્તામાં આગ પકડી ન લે તે માટે કારની ઉપર કાર્બન ફાઇબરનું વિશ્વનું સૌથી સુરક્ષિત આવરણ જડવામાં આવ્યું છે.
આંકડાઓમાં જોઇએ તો, આ કારમાં ૬ ટનની એરબ્રેક, ૩૦ ટનનાં સસ્પેન્શન, ૯૫ કિલોનું એક એવાં ૪ વ્હીલ અને કારને અટકાવવા માટે ૯ ટનનો આંચકો ખમી શકે એવા શક્તિશાળી પેરેશૂટ ફિટ કરવામાં આવ્યા છે. બ્લડહાઉન્ડ SSC કાર સાઉથ આફ્રિકામાં રેકોર્ડબ્રેક પ્રવાસ કરતાં પહેલાં ઇંગ્લેન્ડમાં જ પ્રતિ કલાક ૩૨૧ કિલોમીટરની ઝડપે દોડવાની પ્રેક્ટિસ કરશે.