લંડનઃ યુકેમાં રહેતી એક ૨૩ વર્ષીય યુવતીને કિચનમાં સાફસૂફી માટે વપરાતા સ્પન્જ ખાવાની વિચિત્ર આદત છે. આ યુવતી દરરોજ આવા ૨૦ જેટલા સ્પન્જ આરોગી જાય છે. સૌથી વિચિત્ર બાબત એ છે કે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે યુવતી સ્પન્જને એપલ ફ્લેવરના ડિશવોશિંગ લિક્વિડમાં બોળીને ખાય છે.
નોર્થ ટાઈનસાઈડની રહેવાસી આ યુવતી એમ્મા થોમ્પસને કહ્યું છે કે સ્પન્જ ખાવા એ તેના માટે ‘ગિલ્ટી પ્લેઝર’ છે. શરૂઆતમાં તેને આ આદત હતી, જે હવે વ્યસનમાં બદલાઈ ગઈ છે. આથી તે ઓસીડી ડિસઓર્ડરથી પીડાય છે, જેમાં વ્યક્તિ કોઈ પોષક તત્વો ન હોય એવી ચીજો ખાવા લાગે છે. જોકે એમ્માએ પોતાની આ ટેવના ઈલાજ માટે કોઈ સારવાર કરાવી નથી.
એમ્મા કહે છે કે તેને એપલ ફ્લેવરના લિક્વિડમાં સ્પન્જ પલાળ્યા બાદ તે ખાવાની મજા આવે છે. તેના કહેવા પ્રમાણે લોકો ખાણીપીણી માટે ઘરની બહાર જતા હોય છે જ્યારે તે સ્પન્જ ખાવા માટે બહાર જાય છે. એમ્મા કહે છે, ‘મારા મિત્રો ઘણી વાર મને પુછે છે કે શું આજે આપણે ચા સાથે સ્પન્જ અને ચિપ્સ લેવા માટે જઈશું?’
એમ્માને આવી ટેવ બે વર્ષથી પડી છે. તે ક્યારેક સ્પન્જ કાપીને પોતાની સાથે લંચબોક્સમાં ઓફિસે પણ લઈ જાય છે. એમ્મા તેનો સ્વાદ માણે છે અને કોઈએ તેને સ્પર્શ કર્યો હોય તો તે તેનો ઉપયોગ કરતી નથી.