અમદાવાદઃ છોટા રાજન વિરુદ્ધ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી અને બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહના પિતા ડો. અમિત શાહના અપહરણના ષડયંત્ર સહિતના ચાર ગુના નોંધાયેલા છે. સુરતના અશોક વાઘાણીએ કરોડો રૂપિયાની જમીનોના વિવાદ ઉકેલવા છોટા રાજન ગેંગનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત વલસાડના કસ્ટમ આસિ. કલેક્ટર દયાશંકર પર ભિલાડમાં ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં તે જામીન પર મુક્ત થયો હતો. આમ ગુજરાત પોલીસે પણ છોટા રાજનનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ૨૦૦૦માં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીનું અપહરણ કરવા માટે છોટા રાજને બબ્બર ખાલસાના ૨૭ આતંકવાદી સાથે મળી ષડયંત્ર રચ્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે છોટા રાજન અને બબ્બર ખાલસાના આતંકવાદીઓ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં બબ્બર ખાલસાના ૧૯ આતંકવાદીઓની ધરપકડ થઈ હતી. અન્ય કેસમાં છોટા રાજને અમદાવાદના ડો. અમિત શાહનું પણ અપહરણ કરીને ખંડણી માગવાનું કામ આતંકવાદીઓને સોંપ્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાન્ચે છોટા રાજન સામે અપહરણ-ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો.
અમદાવાદ અને સુરત પોલીસે છોટા રાજન વિરુદ્ધ ખંડણી અને અપહરણના ત્રણ ગુના નોંધ્યા છે ત્યારે ગુજરાત પોલીસે છોટા રાજનનો કબજો મેળવવા માટે કેસના કાગળો તેમ જ પુરાવા ભેગા કરવા તજવીજ શરૂ કરી છે. ગુજરાત પોલીસ તેનો કબજો મેળવવા એજન્સીઓને રાજનના ગુજરાત કનેકશન અંગે માહિતગાર કરશે.