મુંબઈઃ છોટા રાજનની ઈન્ડોનેશિયામાંથી ધરપકડ કરાઈ છે ત્યારે આ ડોન કોણ છે અને તે કેવી રીતે ડોન બન્યો તેની પાછળની રસપ્રદ વાતો બહાર આવી રહી છે. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રાજેન્દ્ર સદાશિવ નિખાળજે ઉર્ફે છોટા રાજનનો ૧૯૬૦માં મરાઠી પરિવારમાં જન્મ થયો હતો. રાજને મુંબઈના સહકાર સિનેમા ઘરમાં રાજન નાયર નામના મિત્ર સાથે ફિલ્મોની ટિકિટોના કાળાબજાર કરવાથી ગુનાહિત દુનિયામાં પગ મૂક્યો હતો. બાદમાં તેમણે દારૂના ધંધામાં હાથ અજમાવ્યો હતો.
થોડા સમય પછી હૈદરાબાદના ગેંગસ્ટર યદાગિરિ અને બડા રાજન સાથે ઓળખાણ થઈ હતી. બધાએ મળીને ગેંગ બનાવી, જેણે પ્રોટેક્શન મની રેકેટથી માંડી આર્થિક સેટલમેન્ટ તથા વિવાદાસ્પદ જમીનના સોદા શરૂ કર્યા. બાદમાં તમિળ ડોન વરદરાજન મુદલિયાર સાથે મળીને રાજને દાણચોરીમાં ઝંપલાવ્યું હતું. ૧૯૮૩માં બડા રાજનની હત્યા થયા બાદ છોટા રાજને ગેંગનો ચાર્જ સંભાળ્યો. એણે થોડા સમય દાઉદ ઈબ્રાહિમ અને અરુણ ગવળી સાથે કામ કર્યું હતું. જોકે અરુણ ગવળીના ભાઈ પાપા ગવળીની હત્યા ડ્રગ્સની ડીલમાં થયા બાદ ત્રણેયના સંબંધ વણસ્યા હતા. છોટા રાજન ૧૯૮૯માં દાઉદના ભાઈ નૂરાના લગ્નમાં સામેલ થવા દુબઈ ગયા બાદ ક્યારેય મુંબઇ પાછો ફર્યો નહીં. મુંબઈમાં ૧૯૯૨માં કરાયેલા શ્રેણીબદ્ધ બોંબધડાકા બાદ છોટા રાજને દાઉદ ગેંગ સાથે છેડો ફાડ્યો. કહેવાય છે કે આ પછી છોટા રાજને ભારતના ગુપ્તચર તંત્ર રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગને દાઉદની માહિતી પૂરી પાડવાનું શરૂ કરી દીધું હતું. છૂટા પડ્યા બાદ દાઉદ-રાજન વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો.
૧૯૯૪માં છોટા રાજને દાઉદ માટે નશીલા પદાર્થની દાણચોરી કરનારા વિશ્વાસુ ફિલુ ખાન ઉર્ફે બખ્તિયાર એહમદ ખાનની બેંગકોકની એક હોટેલમાં તડપાવી તડપાવીને હત્યા કરી નાખી હતી. જવાબમાં દાઉદે રાજનને ખતમ કરવા બેંગકોકની જ એક હોટેલમાં હુમલો કરાવ્યો હતો જેમાં એ બચી ગયો હતો.