મુંબઈઃ મહારાષ્ટ્રનાં શનિ શિંગણાપુર મંદિરમાં ૨૯મી નવેમ્બરે પુનાની એક મહિલાએ મંદિરના ચબૂતરા પર ચડીને શનિ મહારાજને તેલનો અભિષેક કરતાં વિવાદ સર્જાયો હતો.
છેલ્લા ૪૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ મંદિરમાં મહિલાને અંદર જઇને પૂજા કરવાની અથવા શનિદેવને તેલ ચડાવવાની પરવાનગી નથી. આ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટે તુરંત જ મંદિરનાં શુદ્ધિકરણનો નિર્ણય કર્યો હતો અને રવિવારે મંદિરનું શુદ્ધિકરણ કરાયું હતું. શનિ મંદિરના ટ્રસ્ટી સયારામ બનકરે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, આ ઘટનાથી દેવસ્થાનની સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ સામે આવી છે તેથી સાત સુરક્ષાકર્મીને સસ્પેન્ડ કરાયા છે.
દરમિયાન, આ ઘટનાની સીસીટીવી ફૂટેજ જોતાં શંકા ઉપજી છે કે શનિ મહારાજને તેલ ચડાવનારી મહિલા નહીં, પરંતુ ૧૮-૨૦ વર્ષની યુવતી છે. આ મુદ્દે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્ય રંજના ગવાંદેએ જણાવ્યું હતું કે, આ સાહસનું અમે સ્વાગત કરીએ છીએ. મહિલાઓને પુરુષ સમોવડી ગણાય છે ત્યારે ઘણાં મંદિરોમાં મહિલાઓને પ્રવેશ શા માટે અપાતો નથી. શનિ શિંગણાપુરમાં ક્રાંતિકારી ઘટના બની છે, આ મામલે રાજનીતિ ન કરતાં મંદિરને મહિલાઓ માટે ખુલ્લું મૂકવામાં આવે.
ટ્રસ્ટે આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું હતું કે, ૧૫ વર્ષ પહેલાં પણ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર મુકાયેલા પ્રતિબંધનો વિરોધ થયો હતો. તે સમયે બોલીવુડના જાણીતા કલાકાર ડો. શ્રીરામ લાગુ પણ મહિલાઓના પક્ષે આંદોલનમાં જોડાયા હતા, છતાં ધાર્મિક માન્યતા અને શ્રદ્ધાળુઓની લાગણી ન દુભાય તેના હિતમાં ચુકાદો આપતાં હાઈ કોર્ટે મંદિરમાં મહિલાના પ્રવેશ માટે નિષેધ જાહેર કર્યો હતો.
મંદિરમાં શનિ મહારાજની શિલા ખુલ્લામાં રખાઈ છે ત્યાં દૂરથી જ દર્શન થઇ શકે છે. ચબૂતરાની પાસે ફક્ત પુરુષો જ જઇ શકે છે.