લંડનઃ આ દુનિયા જાતભાતના લોકોથી ભરેલી છે ને આવા લોકોની યાદી તૈયાર થાય તો લંડનના થોમસ થ્વાઇટ્સનું નામ મોખરે આવે. આ થોમસભાઇને સાદગીભર્યું જીવન જીવવાનું મન થયું. વાત માત્ર આટલેથી અટકી હોત તો ઠીક હતી, આપણે તેમને ગાંધીચાહક માની લીધા હોત. પણ થોમસભાઇને સાદગીભર્યું જીવન જીવવા બકરી બનવાના અભરખા જાગ્યા, અને તેઓ બકરી બનીને જીવ્યા પણ ખરા!
થોમસ માને છે કે માનવી કરતાં પ્રાણીઓ ઘણું સાદું જીવન જીવે છે. અને આથી તેણે બકરી તરીકે જીવન જીવી જોવાનો પ્રયાસ કર્યો. આ માટે તેમણે ચાર પગે ફરી શકાય તે સારું પ્રોસ્થેટિક્સ તૈયાર કરવામાં આખું વર્ષ વિતાવી દીધું. આ પછી તેણે બકરીઓની વર્તણૂક, તેઓ કેવા સમયે - ક્યા પ્રકારે બેં-બેં કરે છે તેનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, ઘાસ પચાવી શકે તેવું કૃત્રિમ જઠર પણ વિકસાવ્યું.
આ પછી થોમસ આલ્પ્સની પર્વતમાળામાં પહોંચ્યો અને ત્યાં વસતી બકરીઓના ઝુંડ વચ્ચે ત્રણ દિવસ બકરી તરીકે જ જીવ્યો. થોમસ કહે છે કે હું માનવ-જીવનથી કંટાળ્યો હતો. સાદગીપૂર્ણ જીવન જીવવા દરેક માનવી ભવિષ્યમાં પ્રાણી બનવાની મહેચ્છા રાખતો હશે. આમ તો હું હાથી બનવા માગતો હતો, પરંતુ આમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. છેવટે મેં બકરી બનવાનું નક્કી કર્યું.
જોકે બકરી તરીકે જીવવાનું શરૂ કર્યાના કલાકોમાં જ તેને ભાન થઇ ગયું કે બકરી તરીકે જીવવું સરળ નથી. તે કહે છે કે કૃત્રિમ પગ પીડા આપતાં હતાં. જમીન પર ચાર પગે ચાલવામાં ઘણી તકલીફ થતી હતી. વળી, આલ્પ્સની ઠંડી સહન થતી નહોતી. જોકે હું બકરીઓને સમજાવી શક્યો હતો કે હું પણ તેમનામાંનો જ એક છું.
મિત્રો, હવે તમે એ નહીં પૂછતા કે થોમસભાઇએ બકરીઓને કઇ રીતે આ વાત સમજાવી હશે.