લંડનઃ મોબાઇલ ફોને આપણી રોજિંદી જીવનશૈલીમાં ઘણી બધી સગવડ-સુવિધા વધાર્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે, પરંતુ આની સાથોસાથ તેણે મોંકાણ પણ એટલી જ સર્જી છે તે પણ કડવી વાસ્તવિક્તા છે. મોબાઇલ પર વાત કરતાં કરતાં વાહન ચલાવવાથી માર્ગ અકસ્માતના બનાવો પણ વધ્યા છે અને સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ કથળ્યો છે.
મોબાઇલ નામના ટચુકડા સાધને વિદ્યાર્થીઓનું એટલું ધ્યાનભંગ કર્યું છે કે તેમના રિઝલ્ટ પર તેની અસર જોવા મળી રહી છે તે વાતને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (એલએસઇ) દ્વારા હાથ ધરાયેલા સર્વેનું તારણ પણ સમર્થન આપે છે. એલએસઇના અભ્યાસમાં પુરવાર થયું છે કે મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાદનાર સ્કૂલના રિઝલ્ટમાં હકારાત્મક સુધારો થયો છે.
સ્કૂલમાં બાળકો દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગના મુદ્દે આમ તો વિશ્વમાં ક્યાંય કોઇ કાયદો નથી. આથી કેટલીક સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલના ઉપયોગની છૂટ છે તો કેટલીક સ્કૂલ તેના વિદ્યાર્થીઓને મોબાઇલના મર્યાદિત વપરાશની છૂટછાટ આપે છે.
જોકે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના અભ્યાસનું તારણ સ્પષ્ટ કહે છે કે જો સ્કૂલમાં મોબાઇલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો સ્કૂલનાં પરિણામો વધુ સારાં આવી શકે છે. એટલું જ નહીં, રિઝલ્ટમાં સુધારાની સાથે બાળકો પર પણ તેનો સારો પ્રભાવ પડે છે.
આ અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે મોબાઇલ ફોનને જો સ્કૂલથી દૂર રાખવામાં આવે, મતલબ કે તેના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો તેના કારણે એક વર્ષમાં સાત દિવસ અને સપ્તાહમાં એક કલાક વધુ અભ્યાસ કર્યા બરાબર લાભ મળે છે. એલએસઇ દ્વારા આ સંશોધન ખૂબ વ્યાપક સ્તરે અને ઝીણવટપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
એક અંદાજ પ્રમાણે બ્રિટનમાં ૯૦ ટકાથી વધુ બાળકો પાસે મોબાઇલ ફોન છે. અહીંના મુખ્ય ચાર નગરો- લંડન, માન્ચેસ્ચર, લેસ્ટર અને બર્મિંગહામની કુલ ૯૧ સ્કૂલો અને ૧.૩૦ લાખ બાળકોને આ અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યા પહેલાના અને પછીના પ્રભાવ વિષે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે જે સ્કૂલોમાં મોબાઇલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમના પરિણામોમાં ૬.૪૧ ટકા જેટલો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે આર્થિક રીતે નબળા કુટુંબના તેમ જ અભ્યાસમાં નબળા બાળકોના પરિણામમાં પણ ૧૪.૨૭ ટકા જેટલો સુધારો નોંધાયો હતો.
અભ્યાસમાં એ પણ રસપ્રદ તથ્ય સામે આવ્યું હતું કે મોબાઇલ રાખનારા બાળકો તો ફોન પર ચીપકેલાં રહેતાં હોવાથી અભ્યાસમાં ધ્યાન આપી નહોતાં શકતાં. પરંતુ આર્થિક નબળાં કુટુંબનાં બાળકોનું ધ્યાન પણ તેમના સાથીદારોના મોંઘા મોબાઇલ પર ચોંટેલું રહેતું હતું. તેના કારણે તેઓ પણ અભ્યાસમાં નબળા રહેતા હતા.