અમદાવાદઃ ભારતના ૧૦૦ સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન ધરાવતા બિઝનેસમેન ભંવરલાલ દોશીએ તેમની તમામ ધનદૌલતનો ત્યાગ કરીને જૈન સાધુ તરીકે દીક્ષા અંગીકાર કરી છે. ‘ફોર્બ્સ’ની યાદી પ્રમાણે ૬૦૦ મિલિયન ડોલર કરતાં પણ વધુ સંપત્તિ ધરાવતા ભંવરલાલ દોશીએ રવિવારે દેશ-વિદેશથી આવેલા દોઢ લાખથી વધુ જૈન-જૈનેતરોની હાજરીમાં સંયમ માર્ગે પ્રયાણ કર્યું હતું.
રાજસ્થાનના કાપડના વેપારીના પુત્ર એવા ૫૮ વર્ષના ભંવરલાલ દોશીએ તેમની કારકિર્દી પેરાફિનના છૂટક વેપારી તરીકે શરૂ કરી હતી. સમય વીતતા જાતમહેનતથી તેમણે ડીઆર ઇન્ટરનેશનલ નામની કંપની સ્થાપી હતી અને ભારતના સૌથી મોટા પ્લાસ્ટિક ઉત્પાદક તરીકે ઓળખ મેળવી હતી. જૈન સમુદાયમાં ‘દીક્ષાદાનેશ્વરી’ તરીકે જાણીતા આચાર્ય ગૂણરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબના ૧૦૮મા શિષ્ય તરીકે દીક્ષા લેનાર બિલિયોનેર ભંવરલાલજી હવે ભવ્યરત્નવિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાશે અને સાધુજીવન વીતાવશે.
દીક્ષાર્થી ભંવરલાલજીને આશીર્વાદ આપવા અને તેમની દીક્ષા નિહાળવા માટે એઇએસ ગ્રાઉન્ડમાં એક લાખથી વધુ લોકો ઊમટ્યા હતા. આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં વિવિધ ઉપકરણોના ચઢાવા માટે ૧૫ કરોડ રૂપિયાથી વધુની ઉછામણી બોલવામાં આવી હતી.
જૈન સમાજના ઇતિહાસમાં અભૂતપૂર્વ ગણાતા આ ભવ્યાતિભવ્ય દીક્ષા સમારોહમાં ૪૧ આચાર્ય ભગવંતો અને ૧૦૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા.
તો સાથોસાથ ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને ભંવરલાલજીને અશ્રુભીની આંખે સાંસારિક જીવનમાંથી વિદાય આપી હતી. આવતા મહિને અમદાવાદમાં જ મુનિ ભવ્યરત્ન વિજયજી મહારાજ સાહેબની વડી દીક્ષા યોજાશે.
અમદાવાદમાં યોજાયેલો ત્રણ દિવસનો ભવ્ય દીક્ષા સમારોહ ગયા શુક્રવારે ચાર માઇલ લાંબા વર્ષીદાનના ભવ્ય વરઘોડા સાથે શરૂ થયો હતો. ‘સંયમ જહાજ’ની પ્રતિકૃતિમાં બિરાજેલા મુમુક્ષુ ભંવરલાલ દોશીના વર્ષીદાનના વરઘોડામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટ્યા હતા. સાત કિલોમીટર લાંબા આ વરઘોડામાં ત્રણ ભવ્ય રથ, શણગારેલા નવ ગજરાજ, નવ બગીઓ, ઊંટગાડીઓ, ઉડિશાના શંખવાદકો, સુરેન્દ્રનગરના કાઠિયાવાડી ગોફ, પોરબંદરની રાસમંડળી, રાજસ્થાની નગારા, કેરળની સંગીતમંડળી, મુંબઇ બેન્ડના મંડળો, સાત સંયમ જહાજ, આદિવાસી મંડળીઓ વગેરે સામેલ થયા હતા. વરઘોડા દરમિયાન ૨૦૦૦ જેટલા સોના-ચાંદીના સિક્કા અક્ષતની પોટલીમાં મૂકીને અને રૂ. ૧૦૦થી ૧૦૦૦ની ચલણી નોટોને વસ્ત્રોમાં મૂકીને વર્ષીદાન કરાયું હતું. સમગ્ર રૂટ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.
દેશવિદેશમાં અનેક નિવાસસ્થાનો, નોકરચાકરોનો કાફલો, લક્ઝુરિયસ કારની હારમાળા અને પાણી માગતા દૂધ હાજર થાય તેવી જીવનશૈલી ધરાવતા ભંવરલાલ હવે આ બધી ભૌતિક ચીજવસ્તુઓની મોહમાયાનો ત્યાગ કરીને એક જૈન સાધુ તરીકે કઠોર નિયમો સાથેનું સંયમી જીવન જીવશે. આચાર્ય ગૂણરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે દીક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવવો આસાન નથી.
ભંવરલાલ દોશી આમ તો ઘણા લાંબા સમય પૂર્વે જ સંસાર ત્યજીને સાધુજીવન અપનાવવા માગતા હતા, પરંતુ તેમનો પરિવાર સંમત નહોતો. જોકે હવે ૩૩ વર્ષનો પુત્ર રોહિત કહે છે કે તે પિતાના નિર્ણયથી ગૌરવની લાગણી અનુભવે છે. તેઓ કહે છે, ‘તેઓ ત્રણ વર્ષ પૂર્વે જ દીક્ષા લેવા માગતા હતા, પણ પરિવારે તેમને રોક્યા હતા. જ્યારે પરિવારના વડા દીક્ષા લેવા માગતા હોય ત્યારે કોઇના પણ માટે નિર્ણય લેવો કઠિન બની જાય તે સ્વાભાવિક છે. દીક્ષા માટે અમને સમજાવતાં તેમને ત્રણ વર્ષ લાગ્યા હતા.’
રૂ. ૧૫ કરોડની ઉછામણી
ભંવરલાલ દોશીએ સંયમ જીવન સ્વીકાર્યું ત્યારે કુલ ૧૫ કરોડ રૂપિયાની ઉછામણી થઇ હતી. આમાં વિજય તિલક માટે સૌથી વધુ રૂ. ૩.૬૧ કરોડનો ચઢાવો થયો હતો, જેનો લાભ અમેરિકાના પ્રેમિલાબહેન દફ્તરીએ લીધો હતો. નામકરણ માટે રૂ. ૨.૪૧ કરોડનો, કામળી વહોરવાનો રૂ. ૧.૩૧ કરોડ, પાતરા વહોરવાનો રૂ. ૧.૨૫ કરોડ, કપડા વહોરવાનો રૂ. ૧.૧૧ કરોડ ચઢાવો થયો હતો.
રૂ. ૩૦ કરોડથી વધુનો ખર્ચ
દીક્ષા મહોત્સવ પાછળ આશરે રૂ. ૩૦ કરોડથી વધુનો ખર્ચ થયાનું મનાય છે. ગત નવેમ્બરમાં દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું. આયોજન સમિતિના એક સભ્યને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે 'ત્રણ દિવસના દીક્ષા મહોત્સવ પાછળ રૂ. આઠ કરોડથી વધુ ખર્ચ થયો છે. માત્ર સંયમ જહાજ પાછળ જ રૂ. બે કરોડનો ખર્ચ કરાયો છે. દીક્ષા મહોત્સવ પૂર્વે ભંવરલાલજીએ ગામમાં જે ચેરિટી કરી અને દેશ-વિદેશમાં આ વિશે જે સમારંભ યોજાયા તેનો ખર્ચ ઉમેરીએ તો આંકડો ૩૦ કરોડ રૂપિયાથી વધી જાય છે.’