લંડનઃ વિદેશી નાગરિકોએ તાકીદની આરોગ્ય સંભાળ માટે નાણા ચુકવવા પડશે. હેલ્થ ટુરિઝમમાંથી £૫૦૦ મિલિયન મેળવવાની યોજના અંતર્ગત એમ્બ્યુલન્સના ઉપયોગ અથવા A&E ની મુલાકાત લેવા માટે વિદેશીઓએ ફરજિયાત નાણા ચુકવવા પડશે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ દ્વારા નવેમ્બર મહિનામાં જ તમામ બિનબ્રિટિશ નાગરિકો માટે સૌપ્રથમ વખત તાકીદની સારવાર અને પરિવહન અંગે ચાર્જીસની જાહેરાત કરાશે.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ચુકવણીના મુદ્દે તાકીદની આરોગ્ય સંભાળમાં વિલંબ નહિ કરાય, પરંતુ તાકીદની ન જણાય તેવી કોઈ પણ સારવાર ફી ન ચુકવાય ત્યાં સુધી અટકાવી શકાશે. આ મહિને ખર્ચસમીક્ષા થાય તે પહેલા બચતના વધુ માર્ગ શોધવાના દબાણ હેઠળ આ પગલું લેવાયું છે.
હેલ્થ સેક્રેટરી માને છે કે વિદેશીઓની સંભાળ માટે રાબેતા મુજબની ફી ઉપરાંત, ઈમર્જન્સી સારવારના ચાર્જીસથી NHSને વાર્ષિક £૫૦૦ મિલિયન ઉભાં કરવામાં મદદ મળશે. NHS સામે આગામી પાર્લામેન્ટમાં વાર્ષિક £૩૦ બિલિયનની ખોટનો સામનો કરવાની વિકરાળ સમસ્યા છે.