અંકલેશ્વરઃ સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો ઉપર સ્થાનિક નિગ્રોના હુમલાના બનાવો અટકવાનું નામ લેતા નથી. અંકલેશ્વર તાલુકાના જુના દીપા ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મેરિસબર્ગ શહેર નજીક રહેતા ત્રણ ભાઈઓ પર થયેલા ફાયરિંગમાં એક ભાઈનું મોત નીપજ્યું છે.
જુના દીપા ગામના માંજરા ફળિયામાં રહેતા ગંગાત પરિવારના ત્રણ ભાઈઓ વર્ષોથી સાઉથ આફ્રિકાના મેરિસબર્ગ શહેરથી ૮૫ કિમી દૂર આવેલા એમ્પેલિયા પરગણામાં રહે છે.
તેઓ રોજબરોજના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સ્ટોર ચલાવે છે. ત્રણેય ભાઈઓ ઘરે ગયા બાદ સ્થાનિક નિગ્રો ગુનેગારો તેમના સ્ટોર પર ત્રાટક્યા હતા અને રોકડ રકમ સહિત સ્ટોરની ચીજ વસ્તુઓની પણ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટથી જ સંતોષ ન માનતા હોય એમ આ લૂંટારુઓએ બીજા દિવસે આ ત્રણેય ભાઈઓના ઘરે સવારના પહોરમાં જ ધાડ પાડી હતી. દરવાજો ખોલતાં વેંત જ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
પાંચ રાઉન્ડ ફાયરિંગમાં નાના ભાઈ સાજીદ ગંગાતને એક ગોળી ખભામાં જ્યારે અન્ય બે ગોળી શરીરના અન્ય ભાગોમાં વાગી હતી. સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકામાં ભારતીયો પર અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના અનેક લોકો ઉપર હુમલાના બનાવો બન્યા છે.
