શ્રીહરિકોટાઃ ભારતીય અવકાશ સંસ્થાન ઇસરોએ સોમવારે અવકાશ ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. લોન્ચ વ્હિકલ પીએસએલવીએ બે કલાક ૧૫ મિનિટમાં નિર્ધારિત અંતર કાપ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી લાંબું ઉડ્ડયન છે. આ સાથે જ ઇસરોએ પહેલી વખત સેટેલાઇટને બે અલગ અલગ ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવાનો વિક્રમ પણ સર્જ્યો છે.
આઠ ૮ ઉપગ્રહોને લઇને રવાના થયેલા પીએસએલવી-સી ૩૫ રોકેટનું કુલ વજન ૬૭૫ કિલો હતું. તેમાં હવામાન સંબંધિત સ્કેટસેટ-૧ સહિત દેશના ત્રણ ઉપગ્રહ હતા. તો સાથેસાથે અલ્જિરિયાના ત્રણ, અમેરિકા તથા કેનેડાના પણ એક-એક ઉપગ્રહનો સમાવેશ થાય છે.
પીએસએલવીએ સોમવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના લોન્ચિંગ પેડથી ઉડ્ડયન કર્યું. તેણે પહેલા હવામાન ઉપગ્રહ સ્કેટસેટ-૧ને તેની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યો. ત્યાર બાદ ચોથા તબક્કાના એન્જિનને ફરીથી સ્ટાર્ટ કરીને અન્ય સાત ઉપગ્રહોને પણ તેમની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધા. સ્કેટસેટ-૧ મહાસાગર અને હવામાન સંબંધી સંશોધન માટે તૈયાર કરાયો છે.

