‘ઓમ શક્તિ ડે સેન્ટર’ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન અને વડીલ સન્માનના શાનદાર ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનું આયોજન હેરો લેઝર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તંત્રી શ્રી સી. બી. પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રીમતી રંજનબહેન માણેક MBE, વર્ષાબહેન દાલીયા, ચંદ્રાબેન સોઢા અને તારાબેન ચંદારાણા સહિત વોલંટીયર્સ સેવાભાવી બહેનોની જહેમતના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.
માયાબહેન દીપકના સૂરીલા કંઠે ‘અય મેરે પ્યારે વતન...’ જેવા રાષ્ટ્રીય ગીતોએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ અપાવી. રૂપલબહેન ત્રિવેદીની આગેવાની હેઠળ રજૂ થયેલ પ્રાસંગિક નૃત્યો, સંસ્થાની બહેનો દ્વારા નાટક, યોગા તેમજ વૈવિધ્યસભર મનોરંજન કાર્યક્રમ સૌએ મન ભરી માણ્યો.
સંસ્થાનો પરિચય આપતા 'ગુજરાત સમાચાર'ના કન્સલ્ટીંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું હતું કે ‘આઠેક વર્ષ પહેલાં ૫૦ સભ્યોથી શરૂ થયેલા આ સંસ્થા આજે ૨૫૦ સભ્યપદ ધરાવતું વટવૃક્ષ બની છે. જ્યાં વડીલ બહેનો-ભાઈઓ નિવૃત્તિનો નિજાનંદ માણી રહ્યા છે. દર બુધવારે હેરો લેઝર સેન્ટરમાં સવારના બે કલાક યોગા ઉપરાંત સભ્યોમાં રહેલ કૌશલ્યને બહાર લાવતી વિવિધ પ્રવૃત્તિઓ, નવરાત્રિ, દિવાળી, સ્વાતંત્ર્ય પર્વો વગેરેની ઊજવણી થાય છે તેમજ ડે ટ્રીપ, મંદિરોની યાત્રા આદી કાર્યક્રમોનું અયોજન પણ થાય છે. સંસ્થાની સફળતા માટે રંજનબહેન માણેક MBE અને વર્ષાબહેન દાલિયા તથા સેવાભાવી બહેનોને ધન્યવાદ આપવા ઘટે.
તંત્રીશ્રી સી. બી. પટેલે જણાવ્યું કે 'આ તો નારીશક્તિની ઊજવણી છે. રંજનબહેન માણેક MBE સંસ્થાનું પીઠબળ છે. બ્રિટનના વડા પ્રધાન પણ હાલ મહિલા બન્યા છે. ‘થેરેસા મે’ નારીશક્તિનો આ પ્રભાવ છે. ભારતનો સ્વાતંત્ર્ય દિન, ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધનની ઊજવણી સાથે જ પ.પૂ. પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા એનો પણ ઉત્સવ છે. એક સામાન્ય વ્યક્તિ પોતાના અદના સત્કાર્યોથી અસામાન્ય લેવલ સુધી પહોંચી વિશાળ ચાહક વર્ગના હૃદયમાં સ્થાન મેળવી શકે છે એ સિદ્ધિ અનન્ય છે.'
આ પ્રસંગે સંસ્થાના ૪૦ જેટલા વડિલ સભ્યોનું તંત્રી શ્રી સી. બી. પટેલ, જ્યોત્સનાબહેન શાહ તેમજ ગાંધી ફાઉન્ડેશનના નીતિબહેન ઘીવાલાના હસ્તે શાલ ઓઢાડી વડીલ-શ્રવણ સન્માનપત્ર એનાયત કરાયું હતું. સૌથી વયોવૃદ્ધ વડીલ ૯૧ વર્ષના હતા.
સવારના ચા-નાસ્તાથી માંડીને ડેકોરેશન, સુંદર કાર્યક્રમ અને સ્વાદિષ્ટ લંચની જવાબદારી અદા કરવામાં બહેનોની કલાદૃષ્ટિ અને વહીવટીય સૂઝ છતાં થયાં હતાં. આ બધામાં શ્રી ભાનુભાઈ પંડ્યાના હાસ્ય રસ વિના તો બધા રંગ અને રસ ફિક્કાં જ લાગે ને?

