ગાંધીધામઃ કાશ્મીરમાં ભારતીય સેનાની ઉરીની બ્રિગેડ કમાન્ડ ઉપર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તનાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કચ્છની ઈન્ડો-પાક બોર્ડર ઉપર પણ આ તનાવની અસર જોવા મળી રહી છે.
પાકિસ્તાન એટલી હદે ગભરાઈ ગયું છે કે, સામાન્ય રીતે ઠંડી રહેતી કચ્છની સીમા ઉપર પણ તેણે અસામાન્ય હરકતો શરૂ કરી દીધી છે. ખાસ કરીને સરક્રીકમાં ભારતની સીમા જયાં પૂરી થાય છે તેની બિલકુલ પાસે આવેલી ઈકબાલ બાજવા ચોકી ઉપર પાકિસ્તાની નેવી અને મરીન નેવલ્સની હરકત છેલ્લા કેટલાક દિવસથી વધી ગઈ છે. બીજી બાજુ ડીપ સીમાં એટલે કે કરાચીવાળા દરિયાઈ વિસ્તારમાં પાક. નેવીની કવાયતના નામે હલચલ વધારતા ભારત કચ્છની સીમાએ વધુ સાવધાન બન્યું છે.
એક તરફ ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની હલચલ તેજ બની છે ત્યારે સૌથી વધુ જોખમી એવી હરામીનાળા સીમા પર કંઈક ગરબડ હોવાની આશંકાએ ભારત દ્વારા એર સર્વેલન્સ વધુ તેજ બનાવી દેવામાં આવી છે.
રાધાપીર પછીની મહત્વપૂર્ણ પાકિસ્તાની ચોકી
કચ્છના ક્રીક વિસ્તારમાં ખાસ કરીને સરક્રીક પાસે છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાને રેન્જર્સની રાધાપીર નામની કાયમી ચોકી બનાવી હતી. આ ચોકી સરક્રીકના માઉથ પાસે અને પાકિસ્તાનના સૌથી નજીકના રહેણાંક ગામ જીરો નજીક આવેલી છે. કેટલાય સમયથી ક્રીકમાં ભારત દ્વારા ચોક્કસાઈ વધારી દેતા રાધાપીર ચોકીની સમાંતર અને સરક્રીકની બિલકુલ પાસે ઈકબાલ બાજવા ચોકી બનાવવામાં આવી છે. દેખીતી રીતે અહીં મરીન રેન્જર્સના કમાન્ડો રહેતા હોય છે પરંતુ ઉરીની ઘટના બાદ રેન્જર્સ ઉપરાંત ઈકબાલ બાજવા ચોકી અને આસપાસના વિસ્તારમાં પાકિસ્તાની નેવીની હાજરી જોવા મળી રહી છે.
કચ્છ સીમાએ અજંપાભરી સ્થિતિઃ બોર્ડર પર હાઈએલર્ટ
ઉરી ઘટના બાદ દેશની તમામ સરહદો પર સાવચેતીના ભાગરૂપે જનરલ એલર્ટ આપવામાં આવી છે. કચ્છના પાટનગર ભુજમાં આવેલા આર્મી બ્રિગેડ કમાન્ડ હેડ ક્વાર્ટર અને બીએસએફના સેક્ટર હેડ ક્વાર્ટર પર જાપ્તો વધારાયો હતો, તો ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓએ રૂટિન ફંકશનમાં જવાનું ટાળતા હોવાનું જાણવા મળ્યું છે. સરહદે પણ સીમા સુરક્ષા દળના જવાનોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ભુજમાં આરટીઓ પાસે આવેલા આર્મી બ્રિગેડ કમાન્ડ હેડ ક્વાર્ટર તેમજ આસપાસના એરિયામાં સુરક્ષા વધારાઇ છે.

