અમદાવાદઃ ગુજરાત સરકારની સંશોધન સંસ્થા ‘મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ (એમજીએલ-આઇ)નાં અધ્યાપક, લેખક અને સંશોધક ડો. ટીના દોશીને એકલપંડે ભગીરથ પરિશ્રમ કરીને સર્વપ્રથમ ‘ભારતીય મહિલા વિશ્વકોશ’ તૈયાર કરવા બદલ ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ જેવી શતાબ્દી ઉજવી રહેલી શિક્ષણસંસ્થાએ શિક્ષણક્ષેત્રે ઉત્તમ સેવા બદલ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારિબાપુને હસ્તે શ્રી ઇન્દ્રબા ભોગીન્દ્રરાવ દિવેટિયા એવોર્ડ એનાયત કરીને બળૂકું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અતિથિવિશેષપદે યોજાયેલા ભવ્ય સમારંભમાં પૂજ્ય મોરારિબાપુએ ડૉ. ટીના દોશીને નારીની વીરતા અને વિદ્વત્તાની કથા કરતા રહેવા અને પોતે પણ એ સાંભળવા આવવા ઉત્સુક હોવાની વાત કરી તેમના કામને બિરદાવ્યું હતું. શિક્ષણપ્રધાન ચુડાસમા તો ગત વર્ષે ઉત્તર ગુજરાતના ખેરાળુમાં ત્રિ-દિવસીય નારીકથાના ઉદઘાટક તરીકે સહભાગી થયા હતા. ચુડાસમાએ ડો. દોશીના દોઢેક દાયકાના પુરુષાર્થને તપસમાન લેખાવીને તેમના કામની પ્રશંસા કરી હતી.
મહિલાશક્તિનું સન્માન કરવાનો ઉપક્રમ ૧૯૧૭માં મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ નામક સંસ્થાની કોલેજોના અમદાવાદસ્થિત સંકુલમાં તેનાં ૯૪ વર્ષીય પ્રમુખ વસુબહેનના નેજામાં યોજાયો હતો. આકાશવાણી (ઓલ ઇંડિયા રેડિયો)ના દેશના સર્વપ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલાં વસુબહેન ગુજરાત સરકારના મહિલા કલ્યાણ બોર્ડનાં અધ્યક્ષ પણ રહ્યાં છે. આજે ૯૪ વર્ષની ઉંમરે પણ તેમની સંસ્થાનાં ઉપપ્રમુખ લીલાબહેન દેસાઇ સહિતના હોદ્દેદારો સાથે સ્ત્રીકેળવણી અને મહિલા સશક્તિકરણની યોજનાઓ ઘડી અમલમાં મૂકવા સક્રિય રહે છે.
૨૦૦૧માં વસુબહેને સંસ્થાનો ઠરાવ કરીને સૌપ્રથમ ટીના દોશીના વિશ્વકોશને સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. લગભગ સોળેક વર્ષ પહેલાં ડો. ટીના થકી ભારતીય મહિલા વિશ્વકોશનો વિચાર કરાયો અને એની સંકલ્પના તૈયાર કરીને કામ કરવાનું શરૂ કર્યું. વિધિવત્ રીતે સર્વપ્રથમ વલ્લભ વિદ્યાનગરસ્થિત ચારુતર વિદ્યામંડળ (સીવીએમ) તરફથી ડો. દોશીને મહિલા વિશ્વકોશ અંગેના પ્રકલ્પને સ્વીકૃતિ પ્રદાન થઇ અને એક નવો અધ્યાય શરૂ થયો. સીવીએમ સંચાલિત સરદાર પટેલ સંશોધન સંસ્થા ‘સેરલિપ’માં અધ્યાપક તરીકેના સમયગાળા દરમિયાન ત્રણ વર્ષના ગાળામાં ૮૨૦ પાનાંના વેદથી મહાભારત સુધીના ગાળાની સ્ત્રીઓની સ્થિતિ અંગેના પ્રથમ ગ્રંથનું પ્રકાશન જાણીતા પ્રકાશનગૃહ નવભારત સાહિત્યમંદિર તરફથી થયું. દરમિયાન ડો. ટીના ગુજરાત સરકારની સંશોધન સંસ્થા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટમાં અધ્યાપક તરીકે જોડાતાં ભારતીય મહિલા વિશ્વકોશના કામને આગળ ધપાવવાની તક મળી છે. પ્રથમ ગ્રંથ પ્રકાશિત થઇ ચૂક્યો હોવાથી હવે ચાર ગ્રંથ પર કામ હાથ ધરાઇ રહ્યું છે. પ્રાચીનથી અર્વાચીન કાળ સુધીની તમામ મહત્ત્વની સ્ત્રીઓનાં ચરિત્ર તથા દરેક સમયમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી તે વિશેની માહિતી આ ગ્રંથોમાં આવરી લેવાશે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં મહિલા વિશ્વકોશ પ્રકાશિત કરવાનું આયોજન છે.
પ્રાચીન કાળની ભારતીય સ્ત્રીઓ આધારિત સંશોધનકાર્ય ડો. દોશીના રસનો વિષય છે. ‘ભારતીય મહિલા વિશ્વકોશ’ પર સંશોધન દરમિયાન તેમને નારીકથાનો વિચાર આવ્યો હતો. ૬થી ૮ માર્ચ ર૦૧૪ દરમિયાન વલ્લભ વિદ્યાનગર ખાતે વેદથી મહાભારત સુધી સ્ત્રીઓનાં નોખાં અને બળુકાં વ્યક્તિત્વોની કથાની સૌ પ્રથમવાર ત્રિદિવસીય નારીકથાનું આયોજન થયું.
નારીકથાની વિશેષતા અંગે ડો. ટીના દોશી કહે છેઃ ‘મારી નારીકથા પ્રચલિત નારીવાદથી પ્રેરિત નથી, પુરુષવિરોધી નથી. એ નારીની વ્યથા અને વેદનાની નહીં, પણ વીરતા અને વિદ્વત્તાની કથા છે. એ આંસુ અને આક્રોશની નહીં, પણ નારીના આત્મવિશ્વાસ અને આત્મસન્માનની કથા છે.’
‘આ નારીકથામાં વેદથી મહાભારત સુધીના સમયખંડનાં સ્ત્રીપાત્રોને નવી ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યાં છે. ભારતીય મહિલા વિશ્વકોશના હવે પછીના ચાર ખંડનું કામ જેમ જેમ આગળ ધપતું જશે તેમ તેમ કથાનો વિસ્તાર પણ વધતો જશે. આપણી સ્ત્રીઓ ક્યારેય બિચારી બાપડી નહોતી, પણ તે પહેલેથી જ બહાદુર અને બાહોશ હતી, એવું પ્રસ્થાપિત કરીને સ્ત્રીઓનો સાચો ઈતિહાસ રજૂ કરવો, એ આ નારીકથાનો ઉદ્દેશ છે.’
મુંબઈમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં પ્રતિષ્ઠિત પ્રકાશનો ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’, ઈન્ડિયન એક્સપ્રેસ જૂથના પ્રતિષ્ઠિત દૈનિક ‘સમકાલીન’ અને સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં ટીના દોશીએ વર્ષો સુધી લેખનકાર્ય કર્યું છે. ગુજરાતનાં માતબર દૈનિકો ‘દિવ્ય ભાસ્કર’, ‘સંદેશ’, ‘સમભાવ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, અને સામયિક ‘અહા જિંદગી’ સાથે પણ જોડાયેલાં રહ્યાં અને લેખનકાર્ય કર્યું હતું. લંડનથી પ્રકાશિત થતાં સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’નાં પ્રોજેક્ટ-ઈન-ચાર્જ અને એડિટોરિયલ કો-ઓર્ડિનેટર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યાં છે.
ડો. દોશીએ ૧૫ પુસ્તકો લખ્યાં છે. તેમાંથી ‘ભારતીય મહિલા વિશ્વકોશ’, ‘પ્રાચીન કાળમાં સ્ત્રી’, ‘નારી તું નિરાળી’ અને ‘માનુષી: આધી કલ્પના આધી કાયા’ પ્રાચીન અને ઐતિહાસિક કાળની સ્ત્રીઓ વિશેનાં સંશોધન પર આધારિત છે.

