ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો થતા દેશભરમાંથી પાકિસ્તાન જોડે યુદ્ધની વાતો થઇ રહી છે અને સરહદ ઉપર પણ એલર્ટના આદેશ અપાઇ ગયા છે. તે સંજોગોમાં ગુજરાત પણ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું રાજય છે, પરંતુ ૫૦ ટકા બોર્ડર પર હજુ સુધી તારની વાડનું કામ બાકી છે અને ૫૦ ટકા વિસ્તારમાં જ ફેન્સિંગ કરી શકાઇ છે.
કચ્છની સરહદ પરથી અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરીનો ખતરો હોવા છતાં પણ તારની વાડનું કામ પૂર્ણ થયું નથી. આશ્વર્યની વાત એ છે કે કેન્દ્રમાં છેલ્લા સવા બે વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ હજુ સુધી તેજ ગતિએ આ કામ થઇ રહ્યું નથી. રાજયના ૨૬ સાંસદો ચૂંટાયેલા છે, પરંતુ એકમતે અવાજ ઉઠાવીને વહેલી તકે કામ પૂર્ણ કરો તેવી રજૂઆત થાય તેની રાહ જોવાઇ રહી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજયની પાકિસ્તાન સરહદ સીમા ૫૧૨ કિલોમીટરની છે. તેમાંથી અત્યાર સુધી ૩૪૦ કિલોમીટરની સરહદ પર જ વાડ-ફેન્સિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવેલી છે. વર્ષોથી આ કામ ચાલતું હોવા છતાં અત્યાર સુધી તેમાંથી પણ ૨૬૨.૭૦ કિલોમીટરની તારની વાડ બની શકી છે. આમ ૭૮ કિલોમીટરની સરહદ પર વાડનું કામ બાકી છે. કુલ ૫૧૨ કિલોમીટરને જોતાં ૨૪૯ કિલોમીટર જેટલી તારની વાડ બાકી છે આમ ૫૦ ટકા વિસ્તારમાં હજુ ફેન્સિંગ નથી. ફેન્સિંગનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે અને ડિફેન્સના બજેટમાં અબજો રૂપિયાની ફાળવણી છતાં વાડનું કામ પૂર્ણ થવા પામ્યું નથી.

