રૂ. ૧.૭૫ લાખનાં પગારદાર આચાર્યા ૨૫૦૦ની લાંચ લેતાં ઝડપાયાં!

Wednesday 28th September 2016 06:29 EDT
 
 

રાજકોટઃ શહેરમાં ૧.૭૫ લાખ રૂપિયાનો માસિક પગાર ધરાવતા મહિલા પ્રિન્સિપાલ રૂ. ૨,૫૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રિકા ભરત વાઢેર અને પટાવાળાને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રૂ. ૨૫૦૦ની લાંચ લેતાં ઝડપી લીધા હતા. ચંદ્રિકા લો વિદ્યાશાખામાં એડમિશન માટે રૂ. ૪ હજારની લાંચની માગ કર્યા બાદ રૂ. ૨૫૦૦ની રકમ સ્વીકારતાં ઝડપાઇ ગઇ હતી. પ્રિન્સિપાલ ચંદ્રિકા પાસે ત્રણેક વર્ષથી એએમપી લો કોલેજનો પણ ચાર્જ હતો.
તાજેતરમાં એક વિદ્યાર્થીએ લો કોલેજમાં ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ માટે અરજી કરી હતી. ટકાવારીની દૃષ્ટિએ વિદ્યાર્થી પ્રવેશને લાયક હોવા છતાં ચોક્કસ હેતુથી ચંદ્રિકાએ તેનો પ્રવેશ રોકી રાખ્યો હતો અને વિદ્યાર્થીને રૂબરૂ બોલાવી રૂ. ૪ હજારની માગ કરી હતી. પોતાની આર્થિક અશક્તિ અંગે જણાવવા છતાં ચંદ્રિકાએ એડમિશન જોઇતું હશે તો પૈસા તો આપવા પડશે તેમ કહેતાં વિદ્યાર્થીએ લાંચ આપવાની તૈયારી બતાવતા ગત ૧૧ ઓગસ્ટે તેને એડમિશન આપી દેવાયું હતું.
એડમિશન અપાયા બાદ ચંદ્રિકા અને પટાવાળો અરવિંદ જાદવ અવાર-નવાર વિદ્યાર્થીને ફોન કરી તેમજ રૂબરૂ બોલાવી લાંચની રકમની ઉઘરાણી કરતા હતા. અંતે વિદ્યાર્થીએ અંગે રાજકોટ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. પોણા બે લાખની પગારદાર પ્રિન્સિપાલે ગરીબ વિદ્યાર્થી પાસેથી રૂ. ૨૫૦૦ની લાંચ લેતાં પ્રકરણે ભારે ચકચાર જગાવી હતી.
ઘરેથી પણ જંગી દલ્લો મળ્યો
એસીબીએ પ્રિન્સિપાલના ઘરમાં સર્ચ ઓપરેશન કરીને રોકડા રૂ. ૧૧.૩૧ લાખ તેમજ રૂ. ૨૪.૫૬ લાખના સેવિંગ્સ સર્ટિફિકેટ કબજે કર્યા હતા. બન્નેને પૂછપરછ બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus