શંખેશ્વરઃ જૈન તીર્થ શંખેશ્વરના ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના પ્રેરણામૂર્તિ તપાગચ્છાધિપતિ આચાર્યદેવ વિજયપ્રેમસૂરિશ્વરજી મહારાજ ૨૪ સપ્ટેમ્બરે રાત્રે ૧૨-૧૮ કલાકે મુંબઇ ખાતે ૯૮ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. રવિવારે સાંજે છ વાગે મુંબઇના બાળગંગા વાલકેશ્વર ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. પ્રેમસૂરિશ્વરજી મહારાજે પાટણમાં દીક્ષા લઇ શંખેશ્વરમાં ૧૦૮ જિનાલયનું નિમાર્ણ કરાવ્યું હતું, જે આજે વિશ્વવિખ્યાત છે.
જૈનાચાર્ય પ્રેમસૂરિશ્વરજી મહારાજને વાલકેશ્વર ઉપાશ્રય દર્શનાર્થે રખાયા હતા. જૈનાચાર્યના કાળધર્મના સમાચાર મળતા મુંબઇ, ગુજરાત, રાજસ્થાન, બેંગલૂરુથી હજારો ભક્તો મુંબઇ પહોંચ્યા હતા. સાંજે ૬ વાગે અંતિમ સંસ્કાર કરાયા હતા. શંખેશ્વર, પાટણ, મહેસાણા સહિત ગુજરાતભરના જૈન ઉપાશ્રય ખાતે ગુરુવંદન દેવવંદન કરાયા હતા. અગ્નિદાહનો રૂ. ૧૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રૂપિયા ચઢાવો બોલાયો હતો. જે જૈન સમુદાયમાં સૌથી મોટો ચઢાવો હતો.

